Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વાંકાનેર અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ નાના મવા સર્કલ પાસે કાલથી બે દિવસીય ગૌસેવા પ્રદર્શન

વાંકાનેર તા.૧ર : વાંકાનેર અને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનારી એવી અંધ-અપંગ ગૌશાળા દ્વારા તા.૧૩ અને ૧૪ જાન્યુઆરી શનિ-રવિ બે દિવસ માટે નાના મવા સર્કલ, ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર ગૌ સેવા પ્રદર્શનનું સુંદર આયોજન કર્યુ છે.

અંધ-અપંગ ગૌશાળાના પ્રમુખ હરીશભાઇ બુધ્ધદેવ (મુન્નાભાઇ)નો સંપર્ક સાધતા તેઓએ ગૌશાળાની પ્રવૃતિઓની માહિતી આપતા જણાવેલ કે, ગુજરાતમાં પ્રથમ અંધ-અપંગ ગૌમાતાને ગૌશાળા થકી સાચવવાની પહેલ કરનાર આ સંસ્થામાં એક અંધ ગૌમાતાની સારવાર અને દેખભાળ સાથે શરૂ થયેલ. આ ગૌશાળામાં હાલ ૧૦પ૦ ગૌમાતા અને તેનો પરિવારનું નિજનિવાસ સ્થાન બની ગઇ છે.

ગૌમાતાની કૃપા અને દાતાઓના સહયોગથી અત્રેના રાજાવડલા રોડ ઉપર અદ્યતન ગૌશાળાનું નિર્માણ ચાલી રહ્યુ છે. દિવસેને દિવસે ગૌમાતાઓ આ ગૌશાળામાં આવી રહી છે. ત્યારે ૧પ૦૦૦ જેટલી ગૌમાતાને સાચવી શકાય તેવી કેપેસીટીના જુદા-જુદા રોડ, ઘાસ ગોડાઉન બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ જગ્યા ઉપર ગૌમાતાને એકસીડન્ટની કે અન્ય કોઇપણ બિમારી માટે ર૪ કલાક વેટનરી ડોકટરની સેવા જ છે જ સાથે ગૌમાતાની સારવાર માટે અદ્યતન હોસ્પિટલ, ગૌ પ્રદર્શન હોલ વિગેરે પણ આયોજનોમાં સમાવીષ્ટ છે.

અંધ-અપંગ ગૌમાતા અને તેમનો પરિવાર મળી હાલ આ ગૌશાળાની ૧૦પ૦ ગૌમાતાનો નિભાવ ખર્ચ દરરોજનો ૪પ થી પ૦ હજારનો છે. આ ગૌશાળા ઉપરનો ગૌપ્રેમીઓનો વિશ્વાસ અને દાનની સરવાણીથી ગૌ સેવા થઇ રહી છે.

મકરસંક્રાંતિએ ગૌ દાન માટે શ્રેષ્ઠ છે અને આ દિવસે અંધ-અપંગ ગૌશાળાની ગૌ માટે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ખંભાળીયા, અમદાવાદ, સુરત અને વાંકાનેરમાં ગૌસેવકો દ્વારા છાવણીઓ (મંડપ) નાખી ગૌ દાન એકત્ર કરે છે અને આ સંક્રાંતિનું દાનની રકમથી આ ગૌશાળાના ખર્ચમાં મોટી રાહતરૂપ રહે છે.

ગૌ સેવા માટે આવેલુ દાન ગૌમાતા માટે જ વપરાવવુ જોઇએ તેવા દ્રઢ નિશ્ચયને આ ગૌશાળાના તમામ ટ્રસ્ટીઓએ સંકલ્પ કર્યો છે ત્યારે વાંકાનેરની આ ગૌશાળા ઉપરાંત ભુકંપ હોય કે વરસાદી આપતીમાં જયાં જયાં ગૌશાળાને ઘાસની જરૂરત ઉભી થઇ છે ત્યાં વાંકાનેર અંધ-અપંગ ગૌશાળાએ ટ્રકો ભરી ભરીને ઘાસ પહોંચાડી પ્રેરણારૂપ કાર્ય કર્યા છે.

ગૌમાતા માટે દાન એકત્ર કરવા સાથે ગૌમાતાને નજીકથી જોવા ગૌમાતા શું છે ? તે આપણને ધાર્મિક આધ્યાત્મિક સાથે તેમનુ દુધ, ગૌમુત્ર, ઘી, ગોબર (છાણ)થી શું શું ફાયદાઓ મળે છે. ઔષધીમાં કેટલુ આનુ મહત્વ છે. સહિતની અનેક જાણકારી પ્રજાને મળે તો તેનુ જતન ગૌશાળાઓ ઉપરાંત ગૌ પ્રેમીઓ પણ કરે.

ગૌ સેવા માટે આગળ વધે તેની દેખભાળ કરે અને ગૌ સેવાની જાગૃતિનો વ્યાપ વધે તે માટે વાંકાનેર અંધ-અપંગ ગૌશાળા દ્વારા રાજકોટના નાના મવા સર્કલ પાસે ૧૩-૧૪ જાન્યુઆરી બે દિવસ માટે 'ગૌ સેવા પ્રદર્શન' ગોઠવ્યુ છે અને તેને નિહાળવા માટે વાંકાનેરની આ ગૌશાળાના તમામ ટ્રસ્ટીઓ, રાજકોટ ગૌ સેવા સમિતિ દ્વારા રાજકોટની ગૌપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ સાથે અપીલ કરી છે.

ગૌસેવાની ડોકયુમેન્ટ્રી ડીલ્સ અને સાહિત્ય ત્થા પોસ્ટરો થકી ગૌ સેવા દર્શાવવામાં આવશે ત્યારે આ લાભ લેવા આપણા બાળકોને સાથે લઇ નિહાળવા જેવુ પ્રદર્શન હોય બાળકમાં નાનપણથી ગૌમાતા માટેની સંવેદના જાણવાની તક પ્રાપ્ત થશે. ગૌ પ્રદર્શનને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મકરસંક્રાંતિએ ગૌદાનનું મહાપર્વ છે ત્યારે ગૌમાતાઓના પેટમાં પ્લાસ્ટીકનો જાય તેની કાળજી રાખવાના સંકલ્પ કરો ઉપરાંત મકરસંક્રાંતિના પર્વ પર ગૌમાતાને જરૂરત મુજબનું લીલુ-સુખુ ઘાસ કે અન્ય શ્રધ્ધારૂપ સામગ્રી ખવડાવવી જેથી કરીને ગૌમાતાને આફરો ચડવા કે બિમાર પડવાનો ભય ન રહે. જરૂરત મુજબનું પેટ પુરણ આપી અન્ય દાન ગૌ સેવા કરતી સંસ્થાઓને આપી મદદરૂપ થવા અંધ-અપંગ ગૌશાળાના સર્વે ટ્રસ્ટીઓએ અપીલ કરી છે.

(4:46 pm IST)