Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ભેંસાણના બામણગઢમાં પાણીની કુંડીમાં પડી જવાથી ૨ બહેનોના મોત

મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની બે બાળાના મોતથી અરેરાટી

જુનાગઢ તા. ૧૨ : ભેંસાણના બામણગઢ ગામે રમતા - રમતા પાણીની કુંડીમાં પડી જતા આદિવાસી પરિવારની બે બાળકીના કરૂણ મોત નિપજ્યા હતા.

ભેંસાણ તાલુકાના બામણગઢ ગામે વાડી વિસ્તારમાં રહી અને મજુરી કામ કરતા આદિવાસી કિબરસિંહ બાટેલાની બે પુત્રી સરીલા (ઉ.વ.૪) અને ચંદા (ઉ.વ.૩) ગઇકાલે વાડીમાં પાણીની કુંડીમાં ખાબકતા બંનેને ભેંસાણના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

પરંતુ ફરજ પરના તબીબે બંને બાળકીને મૃત જાહેર કરતા આદિવાસી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

આ અંગેની જાણ થતાં ભેંસાણ પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને બાળકીના મોત રમતા-રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડુબી જવાથી થયા હોવાનું જણાવ્યું હતું.

બંને બાળકીના પિતા કિબરસિંહ બાટેલા મધ્યપ્રદેશના બળવાની જિલ્લાના પાટી તાલુકાના વનલન ગામનો વતની છે અને પેટીયુ રળવા પરિવાર સાથે બામણગઢમાં રહેતો હતો.

એક સાથે બે પુત્રીના અકાળે મોતથી એમ.પી.ના આદિવાસી પરિવારમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

(11:56 am IST)