Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મોરબીમાં કારની ઠોકરે બાઇક ચાલક આઠ બહેનના એક જ ભાઇ રામાનંદી સાધુ તુષાર આચાર્યનું મોત

દાદા ભગવાનના મંદિરેથી પરત આવતી વખતે અકસ્માત નડ્યોઃ પરિવારમાં કલ્પાંતઃ એકના એક કંધોતરના મોતથી નિવૃત રેલ કર્મચારી યશવંતભાઇ આચાર્ય અને પરિવારજનો શોકમાં ગરક બે માસ અને બે વર્ષની બે પુત્રીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૨: મોરબીમાં નવલખી રોડ પર લાયન્સ નગરમાં રહેતાં તુષાર યશવંતભાઇ આચાર્ય (ઉ.૩૦) નામના રામાનંદી સાધુ યુવાનનું બાઇક અને કાર અકસ્માતમાં મોત નિપજ્યું છે. કરૂણતા એ છે કે આ યુવાન માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ અને આઠ બહેનનો એક જ ભાઇ હતો. તેના પિતા નિવૃત રેલ કર્મચારી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ તુષાર આચાર્ય રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. ૧૧મીએ સાંજે તે મોરબીમાં જ દાદા ભગવાન મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી બાઇક હંકારી પરત આવતો હતો ત્યારે રાત્રે સાડા દસેક વાગ્યે નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસે જીજે૩બીએ-૬૫૯૨ નંબરની કારની ઠોકરે બાઇક ચડી જતાં તુષાર ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને મોરબી સારવાર અપાવી રાજકોટ મધુરમ્માં અને ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયેલ. અહિ ગત મોડી રાત્રે મોત નિપજતાં ગાંધીગ્રામના પી.એસ.આઇ. વી.સી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.મૃત્યુ પામનાર તુષાર આઠ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેના લગ્ન શિલ્પા નામની યુવતિ સાથે થયા હતાં. સંતાનમાં બે માસની અને બે વર્ષની બે દિકરીઓ છે. જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. તુષારના પિતા યશવંતભાઇ નિવૃત રેલ કર્મચારી છે. બનાવથી આચાર્ય પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:55 am IST)