Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

દિકરીના ભવિષ્યની ચિંતાને બદલે તેની ઉજ્જવળ કારકિર્દી બનાવીએ

દીકરી વહાલનો દરિયોઃ બેટી બચાવો ઝુંબેશ સફળ બનાવીએ

'આટલું મોડું કરાતું હશે, તમને તો મારી ચિંતા જ નથી ને ! તમારી રાહ જોઈને હું થાકી ગઈ, ફોન પણ ઉપાડતા નથી, જાવ હવે કયારેય રાહ નહિ જોવું અને વાત પણ નહીં કરૃં!'

 'અરે મારા વ્હાલા દરીયા સાંભળ તો ખરા ! આજે ઓફિસે અઢળક કામ હતું અને તબીયત પણ સારી ન હોતી જો તો તાવ છે કે નહીં ?'

'હેં તમને તાવ ? કેમ તબીયત નથી સંભાળતા ? જમ્યા કે નહીં ? ડોકટર પાસે ગયા હતા કે હું લઇ જાવ ? મને ફોન કેમ ન કર્યો ? હું ન હોત તો તમારૃં શું થાત?'

'કંઇ નહી બેટા ! તું છો એટલે બધું સારૃં જ છે !'

આ સંવાદો એક પિતા પ્રત્યેના અઢળક વ્હાલથી ઉભરાતી દિકરી અને દિકરીના શબ્દે શબ્દમાં છલકાતી અભિન્ન લાગણીના ધોધને જિલતા પિતાના છે.

આજે ડોટર્સ ડે એટલે કે દિકરીનો દિવસ પણ ખરૃં કહીયે, તો વર્ષનો કોઇ એક દિવસ દિકરીને વ્હાલ કરવા કે તેની લાગણીને સમજવા પૂરતો નથી, તેના માટે તો એક જીવન આખું ટૂંકુ પડે. નાનકડા મહેંદી ભર્યા હાથની હુંફ અને લાગણી માપવા એક પ્રેમાળ પિતાનું હ્રદય અને વાત્સલ્યની મૂર્તિ સમી મા જોઈએ.

ખબર નહી કેમ પણ વર્ષોથી એક સામાજીક બંધારણ જ એ પ્રકારનું થઇ ગયું છે કે, સંતાનમાં દિકરો તો હોવો જ જોઈએ. દિકરીતો વધારાની કહેવાય. તેના હોવા કે ન હોવાથી ખાસ કંઈ ફેર પડતો નથી પણ હવે ૨૧ મી સદીમાં આવા વાકયો સમજવા તો દૂર પણ વાંચવામાં પણ કંઈક ખૂંચે છે. દિકરી જન્મનું મહત્વ એવા માતા-પિતાને પૂછો કે જેને લગ્નજીવનના વર્ષો સુધી સંતાન સુખ પ્રાપ્ત ન થયું હોય. કોઇ નિઃસંતાન દંપતિને મળો ત્યારે તેઓ ભગવાન પાસે કન્યા રત્ન માંગે છે ત્યારે સાચા સંતાન સુખનું મહત્વ સમજાય છે. દિકરીએ પણ માતા-પિતાનો અંશ જ છે.

ઈતિહાસ સાક્ષી છે કે, કોઈ પુત્ર માતા-પિતાને સ્વર્ગ સુધી મુકવા નથી ગયો પણ હા, પુત્રીએ કયારેય એવી ભાવના નથી કરી કે મારા માતા-પિતા સ્વર્ગે સિધાવે. આપણા સમાજમાં હજુ પણ કયાંક દિકરીને સાપનો ભારો સમજવામાં આવે છે. જન્મ પહેલાં તેને ભૃણહત્યા રૂપી અન્યાયનો સામનો કરવો પડે છે.

માનવાતાનું મૃત્યું થાય તે પહેલાં સ્ત્રીભૃણ હત્યા અટકાવવા અને બેટી બચાવવાનું અભિયાન રાજય સરકારે હાથ ધર્યું છે.

પ્રચાર-પ્રસારના અનેક માધ્યમો અને રેલીઓ દ્વારા રાજય સરકારે દિકરીઓ ને બચાવવા અને તેને દિકરા સમાન માની સમાન શિક્ષણ અને દરજજો આપવા જનજાગૃતિ અભિયાન આદર્યું છે. વર્ષ ૧૯૯૬થી સ્ત્રીભૃણ હત્યાને ગુન્હો ગણવાનો કાયદો લાગુ પડયો છે ત્યારથી આજ દિન સુધીના અવિરત પ્રયાસોને કારણે શિક્ષિત કુટુંબો દિકરીના જન્મને વધાવતા થયાં છે. આવા પ્રસંગોને જાનકી મહોત્સવ કે બેટીજી ઉત્સવ જેવા સોહામણા નામ આપીને સમાજમાં બેટી વધાવોના ઉદાહરણો જોવા મળ્યા છે. આજકાલ તો એવા પણ કાર્યક્રમો યોજાય છે. જયાં સંતાનમાં એકમાત્ર દિકરી હોય તેવા માતા-પિતાનું સન્માન કરવામાં આવે છે.

કોઇપણ મહાન કાર્ય હંમેશા સમય માંગે છે. તેમ આ કાર્ય પણ સમયાંતરે દ્યણી સફળતા પામ્યું છે અને જાગૃતિનો એક દીપ પ્રજજવલિત થયો છે. પણ તાલી હંમેશા બે હાથે વાગે છે તેમ આપણી દિકરીઓને આજના યુગમાં માન-સન્માનભેર જીવન જીવવાનો અને રક્ષણ મેળવવાનો અધિકાર પણ આપણા સમાજે આપવો દ્યટે.

આજકાલ જે પ્રકારે દિકરીઓ-સ્ત્રીઓ પર અમાનુષિ અત્યાચારો થઈ રહયાં છે. તે જોઈને લાગે કે આપણો સમાજ વિવેકભાન ભૂલ્યો છે. જે સમાજ માતાની-દેવીઓની પૂજા કરે છે, નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગા અને અંબિકાની સેવા-પૂજા કરે છે તે જ સમાજ તેને હિનતા પૂર્વક વહેંસી પણ નાંખે છે. સ્ત્રી પણ ઈશ્વરનું જ સર્જન છે તો તેને પણ પૃથ્વી પર જીવન જીવવાનો હકક છે, તે વાત પુરૂષ પ્રધાન સમાજ ભૂલ્યો છે. ખરેખર તો પુરૂષ પ્રધાનને સ્થાને વ્યકિત પ્રધાન સમાજનું નિર્માણ થવું જોઈએ.

સ્ત્રીઓએ પોતાના કપડા કે શહેરમાં ફરવાના સમય પત્રક નહી પણ સમગ્ર સમાજે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. જો દિકરીઓને માનભેર જીવન જીવવાનો હકક સમાજના લોકો જ આપશે તો ભૃણહત્યા અને દિકરીઓ પર થતા અન્યાય પણ ઘટશે. માતા-પિતાને પુત્રી જન્મની ચિંતા નહિ પણ હરખ થશે. સમાજના હિત રક્ષકોને બેટી બચાવોના કાર્યક્રમો નહિ કરવા પડે, લોકો દિકરીના ભવિષ્યની ચિંતા પાછળ સમય વેડફવાના બદલે તેની ઉજજવળ કારકિર્દી વિષે ચર્ચા કરશે.

આજના શુભદિને આવી મંગલકારી કામના અને તે પૂર્ણ થાય તેવી શુહેચ્છા સહ દિકરી પર એક હિન્દી કવિએ લખેલી સુંદર પંકિતઓ........

કયા લીખું વો પરીયો કા રૂપ હોતી હૈ,

યા કડકડતી ઠંડ મેં સુહાની ધૂપ હોતી હૈ, કયા લીખું........

વો હોતી હૈ ઉદાસી કે હર મર્ઝ કી દવા કી તરહ, યા ઉમસ મેં શીતલ હવા કી તરહ,

વો ચીડીયો કી ચહેચહાટ હૈ યા નિશ્વિચલ ખિલખિલાટ હૈ,

વો આંગન મેં ફૈલા ઉજાલા હૈ, યા મેરે ગુસ્સે પર લગા તાલા હૈ,

વો પહાડ કી ચોટી પે સૂરજ કી કિરણ હૈ, વો જીંદગી સહી જીનેકા આચરણ હૈ,

હૈ વો તાકત જો છોટે સે ઘર કો મુકમ્મલ કર દે,

વો અક્ષર જો ન હો તો વર્ણમાલા અધૂરી હૈ, વો જો સબસે ઝયાદા જરૂરી હે,

યે નહી કહુંગા કે વો હર વકત સાંસ સાંસ હોતી હૈ,

કયોંકી બેટીયા તો સિર્ફ અહેસાસ હોતી હૈ.

સંકલન : રાજ જેઠવા (માહિતી ખાતુ, પોરબંદર)

(11:53 am IST)