Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભાવનગર માં તા.૧૪મીએ કવયિત્રી હર્ષા દવેના ગઝલસંગ્રહ “હરિ! સાંજ ઢળશે”નું વિમોચન - કાવ્યસંગીત સમારોહ

કાર્યક્રમમાં ડૉ. પથિક પરમાર, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, ડૉ. વિવેક ટેલર તેમજ સુધીર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર ખાતે કવિઓ અને કવિતાના ભાવકો-ચાહકો માટેની પ્રવૃત્તિ કવિતાકક્ષ પ્રકાશનનાં ત્રીજાં સોપાનરૂપે કવયિત્રી હર્ષા દવેના ગઝલસંગ્રહ “હરિ! સાંજ ઢળશે” નો વિમોચન કાર્યક્રમ તા. 14 ને રવિવારે સવારે 10 કલાકે ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ ખાતે આયોજિત કરવામાં આવેલ છે, કવિ ડૉ. વિનોદ જોશીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ડૉ. પથિક પરમાર, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, ડૉ. વિવેક ટેલર તેમજ સુધીર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. વિમોચન કાર્યક્રમનું સંચાલન પ્રા. હિમલ પંડ્યા દ્વારા કરવામાં આવશે

. વિમોચન બાદ ઇન્દ્રધનુષ સંસ્થાના ઉપક્રમે આયોજિત કાવ્યસંગીત 'ગઝલ મીરાં જેવી...' અંતર્ગત ગઝલોના સ્વરાંકનોની ગિરીરાજ ભોજક, ડૉ. ફિરદૌસ દેખૈયા,કમલેશ મહેતા,  શાહિદ દેખૈયા તથા કુ. રુચા ઠક્કર દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. કાવ્યસંગીત પ્રસ્તુતિનું સંચાલન ડૉ. પારુલ મહેતા કરશે.

હર્ષા દવે ત્રણ દાયકાથી શબ્દ સાધના કરે છે અને ખાસ કરીને તેમની ગઝલો ખુબ નિવડી છે, લોકપ્રિય બની છે. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગ સાથે આ તેમનો પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ આવી રહ્યો છે.  કવિતાકક્ષ પ્રકાશન દ્વારા  અગાઉ “ત્યારે જિવાય છે” અને “એક સદીનો પોરો” નામના બે ગઝલસંગ્રહો આપ્યા બાદ આ ત્રીજું પ્રકાશન  છે ત્યારે રસ ધરાવનાર સહુ કવિતરસિકોને ઉપસ્થિત રહેવા  સંવાહકો ઉદય મારુ અને જગત ભટ્ટ ઉપરાંત ઇન્દ્રધનુષ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

 

(6:43 pm IST)