Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જસદણ યાર્ડ બાદ વિંછીયા યાર્ડમાં પણ ભગવો લહેરાયો

કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડિયા, ડો. ભરત બોઘરા, જિલ્લા ભાજપ અને સ્‍થાનિક ભાજપના આગેવાનોના પ્રયાસોથી ભાજપ સમર્પિત ઉમેદવારોનો વિજય : કોંગ્રેસ કે આપ ને સમ ખાવા પૂર્તી પણ બેઠક ન મળી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૧ : જસદણ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ આજે વિંછીયા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની ગણતરી હાથ ધરાતા કુલ ૧૪ સીટો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

વિંછીયા માર્કેટીંગ યાર્ડમાં કુલ ૧૫ બેઠકોમાં ૪ વેપારી ૧૦ ખેડૂત વિભાગ અને એક ગ્રામ પંચાયતમાંથી ઉમેદવાર હોય જે ડાયરેકટ સભ્‍ય બની જતાં હોય છે. બાકીના ૧૪ ઉમેદવારોની ગણતરી આજે સવારે હાથ ધરાય હતી. જેમાં ભાજપ સમર્પિત ૧૪ ઉમેદવારોનો વિજય થયો છે.

આ વખતે જસદણ અને વિંછીયા માર્કેટીંગ યાર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ જંપલાવ્‍યું હતું. જેમાં જસદણ અને વિંછીયા બંનેમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જ્‍યારે કોંગ્રેસ કે આપને સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળી નથી.

કોંગ્રેસ અને આપ પાર્ટીએ જસદણ અને વિંછીયામાં ખેડૂત વિભાગમાં દસે દસ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્‍યા હતા પરંતુ એક પણ ઉમેદવાર જીતી શક્‍યો નથી.

જસદણ અને વિંછીયા યાર્ડની ચૂંટણીમાં જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા અને ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરાના પ્રયાસોથી ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે

(1:44 pm IST)