Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામગૃહમાં તસ્કરો ત્રાટકયા

દ્વારકામાં ઇસ્કોન ગેઇટ પાસે ટેબલ ખુરશી, ટીપોઇ, ગાદલા જેવી ૭૯ હજારની વસ્તુઓની ચોરી થતા પોલીસ ફરિયાદ

 દ્વારકાધીશ મંદિર સંચાલિત જે વિશ્રામગૃહમાં ચોરી થઇ તે વિશ્રામગૃહ તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીર- કૌશલ સવજાણીઃ ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા) સુવિખ્યાત દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહની બંધ ઇમારતમાંથી તસ્કરોએ છેલ્લા આશરે બે મહિનાના સમયગાળા દરમિયાન ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા જેવી જુદી-જુદી ચીજવસ્તુઓ ચોરી કરીને લઇ ગયાનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે આવેલા અને દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગ્રુહના બંધ ઇમારતના તાળા તોડી, છેલ્લા આશરે બે માસના સમયગાળા દરમિયાન દિવસ અથવા રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, આ સ્થળે રાખવામાં આવેલા સ્ટેનલેસસ્ટિલના ત્રણ નંગ ચોરસ ટેબલ, સ્ટેનલેસસ્ટિલના દસ નંગ નાના લંબચોરસ ટેબલ, સ્ટેનલેસસ્ટિલના પાંચ નંગ મોટા લંબચોરસ ટેબલ, અઢીસો નંગ પ્લાસ્ટિકની હાથા વગરની તથા ૬૬ નંગ હાથાવાળી ખુરશી, ૧૦૦ નંગ પ્લાસ્ટિકની સનફલાવર ખુરશી, ૪૭ નંગ સોફા ટાઈપ હાથા વાળી ખુરશી, ૧૫ નંગ નાની ચોરસ ટીપાઈ, ૯ નંગ મોટી ચોરસ ટીપાઈ, ૨૬ નંગ સિંગલ બેડ પલંગ, ત્રણ નંગ સનમાઈકાવાળા કબાટ, લાકડાનો એક ઘોડો, લાકડાના પાંચ પાટલા ઉપરાંત ૮૦ નંગ ગાદલાની ચોરી થયાનું આ વિશ્રામ ગૃહ સંચાલકોના ધ્યાને આવ્યું હતું.
આમ, જુદી જુદી ૧૪ પ્રકારની અને કુલ રૃપિયા ૭૯,૬૦૦ ની કુલ કિંમતની ચીજ-વસ્તુઓની ચોરી થવા સબબ દ્વારકામાં પીડબલ્યુડી કવાર્ટરમાં રહેતા અને નોકરી કરતા રસીકકુમાર ધરમશીભાઈ ખાખરીયા (ઉ.વ. ૫૨) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી, પી.આઈ. પી.એ. પરમાર દ્વારા તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દ્વારકાધીશ મંદિર હસ્તકના આ વિશ્રામ ગૃહમાં આટલી બધી ચીજવસ્તુઓની ચોરી થયાના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

 

(1:21 pm IST)