Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

મહાગુજરાત વાલી મંડળ દ્વારા ઠંડીના કારણે પ્રાથમિક શાળામાં સમયમાં ફેરફાર કરવાની માંગ

મહામંત્રી કિશોરભાઇ ચોટલીયા દ્વારા પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦: મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી  કિશોરભાઈ ચોટલીયા દ્વારા પ્રાથમિક શાળામાં સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.

આ વર્ષે શિયાળાની મોડી શરૂઆત થઈ છે શિયાળામાં રાત લાંબી અને દિવસ ટૂંકા હોય છે સવાર વહેલી પડે અને તેમાં પણ હવે સવારનો ઠંડો પવન અને ઝાકળ ખૂબ હોય છે તેથી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સ્‍કૂલે જવા માટે તકલીફનો સામનો કરવો પડે છે તે દરેક વાલીઓની ફરિયાદ છે.

જેથી મહા ગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આવેદન પત્ર દ્વારા પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે સવારની શાળામાં સમયમાં ૩૦ થી ૪૦ મિનિટ જેટલો મોડો સમય કરી અને તે સમયે બપોરના સમય વધારે વિદ્યાર્થીઓના અભ્‍યાસક્રમ જળવાઈ રહે અને અભ્‍યાસના કલાકો ઘટે નહીં તેવી વ્‍યવસ્‍થા કરવા દરેક શાળામાં પરિપત્ર મોકલી જાણ કરવા વિનંતી કરવામાં આવેલ છે.

કિશોરભાઈ ચોટલીયા એ જણાવેલ છે કે ઠંડીનો પ્રકોપ હવામાન ખાતા દ્વારા જણાવ્‍યા મુજબ હવે ખૂબ જ વધશે જેના કારણે બાળકોને શરદી ખાંસી અને વાયરલ જેવી બીમારીઓ ન ફેલાય તે માટે પણ સવારના સમયમાં ફેરફાર કરવો જોઈએ તેવી વાલીઓ ની પણ માંગ વધી છે અમદાવાદ તેમજ બીજા ઘણા શહેરોમાં વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍યને  ધ્‍યાને  રાખી સવારના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તો જૂનાગઢની શાળાઓમાં પણ ફેરફાર કરવા ખાસ અપીલ કરવામાં આવેલ છે.તેમ મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલીયાએ જણાવ્‍યું છે.

 

(11:09 am IST)