Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

માતાના મઢ ખાતે આ નવરાત્રિએ માડીના મંદિરિયામાં ઘંટારવ ગુંજશે : દર્શનાર્થીઓ માટે દેશ દેવીના દ્વાર ખુલ્લા

કોરોનાને કારણે બે ચૈત્ર નવરાત્રિ અને ગત આસોમાં મંદિર બંધ હતું : દર્શન થશે પણ ઉજવણી બાબતે અસ્પષ્ટતા, તંત્ર પર મીટ

રાજકોટ,તા. ૧૦: કચ્છના પ્રસિધ્ધ યાત્રાધામ દેશદેવી આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે તા. ૬/૧૦ના મોડી સાંજે ઘટ સ્થાપન સાથે આશ્વિન નવરાત્રિનો આરંભ થશે. કોરોનાના કારણે બે ચૈત્ર અને ગત સાલે આસો નોરતાએ મંદિરના દ્વાર ભાવિકો માટે દર્શનાર્થે બંધ હતા જે સાલે ખુલ્લી જશે પણ આદ્યશકિતના પર્વની ઉજવણી કઇ રીતે કરાશે તે બાબત સ્પષ્ટ ન હોતાં વહીવટી તંત્ર પર લોકોની મીટ છે. કોવિડની ત્રીજી લહેરની સંભાવનાએ સરકારે લાદેલા કેટલાક નિયંત્રણો હજુ પણ સંપૂર્ણપણે ઉઠાવી નથી લેવાયા.

ત્યારે માતાના મઢ ખાતે નવરાત્રિએ મોટી સંખ્યામાં આવતા માઇભકતોની હાજરીમાં પર્વ ઉજવાશે કે સાદગી પૂર્વક ઉજવણી થશે તે બાબતે હજુ સુધી કોઇ જાહેરાત કરાઇ નથી. સામાન્ય સંજોગોમાં આશ્વિન નોરતામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પગપાળા કે વાહનો મારફતે આવે છે પણ ગયા વર્ષે કોવિડના પગલે મંદિર બંધ હોતાં ભકતો આદ્યશકિતના દર્શન કરી શકયા ન હતા. જો કે, આ વખતે મુંબઇથી પદયાત્રીઓ નીકળી પણ ચૂકયા છે. સામાન્ય રીતે શ્રાધ પક્ષના પાછલા દિવસોથી જ ભાવિકોનો પ્રવાહ શરૂ થઇ જાય છે.

જેને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ નોરતાના પખવાડિયા પહેલાં બેઠકો યોજીને ઉજવણીલક્ષી તૈયારીઓ આદરાય છે ત્યારે આ સાલે તંત્ર દ્વારા શું નિર્ણય લેવાય છે તેના પર લોકો મીટ માંડીને બેઠા છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નવરાત્રિની ઉજવણી બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો વચ્ચે થશે કે સાદગી પૂર્વક કરવામા આવશે તે બાબત હાલે અનુત્ત્।ર છે.

૬ ઓકટોબરે ઘટ સ્થાપન સાથે પર્વનો આરંભ થશેભાદરવા વદ અમાસ તા. ૬/૧૦ના બુધવારના રાત્રે ૮.૩૦ વાગ્યે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે તા. ૭/૧૦થી આશ્વિન નવરાત્રિનો આરંભ થશે. તા. ૧૨ના સાતમે મંગળવારે રાત્રે ૯.૩૫ કલાકે જગદંબા પૂજન હોમ હવન શરૂ થશે અને મોડી રાત્રે ૧.૩૦ કલાકે શ્રીફળ હોમાશે તેના બીજા દિવસે રાજ પરિવારના સભ્યો દ્વારા માતાજીને જાતર ચડાવાશે.

(3:25 pm IST)