Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પોરબંદરમાં જમીન પચાવનારા ૧૪ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કલેકટરનો આદેશ

૩ સરકારી અને ૩ ખાનગી જમીનમાં ૨૪ કરોડથી વધુ ગેરકાયદે દબાણનું જાહેરઃ ખાપટમાં સરકારી જમીન ઉપર સ્વૈચ્છાએ દબાણ હટાવાયું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ :. શહેરમાં કિંમતી જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવનારા ૧૪  શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ પોલીસ ફરીયાદો દાખલ કરવા કલેકટર એ.એમ. શર્મા દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ની સમિતિની બેઠકમાં ગેરકાયદે જમીન ઉપર કબ્જો કરનારા સામે પોલીસ ફરીયાદો દાખલ કરવા કલેકટર દ્વારા આદેશો કરવામાં આવ્યા છે.

રાજય સરકાર દ્વારા સરકારી અને ખાનગી જમીન પચાવી પાડતા ભૂમાફીયાઓ સામે સખત કાર્યવાહી કરવા માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-ર૦ર૦ અમલમાં લાવવામાં આવેલ છે. જે અન્વયે પોરબંદર જિલ્લામાં સમિતિ સમક્ષ કુલ-૦૮ દરખાસ્તો તપાસ પૂર્ણ કરી રજૂ કરવામાં આવેલ છે. જે પૈકી સરકારી જમીન પર કુલ-૩ અરજીઓમાં તથા ખાનગી જમીન પર ૩ (ત્રણ) એમ મળી કુલ-૬ અરજીઓમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા જમીન પચાવી પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. સરકારી કુલ જમીન ચો.મી.૯૫૦-૦૦ ની જંત્રી મુજબની કિંમત રૃ.૪૮,૬૮,૭૫૦.૦૦     ની જમીન      પર કુલ-૩ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોય જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા મામલતદાર પોરબંદર શહેરને જાણ કરવામાં આવેલ છે. ખાનગી જમીન ચો.મી.૪૯૦૧-૦૦ પર કુલ-૫ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં       આવેલ છે, જે બાબતે અરજદારશ્રીને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરેલ છે. તેમજ પોરબંદર તાલુકાના ધરમપુર ગામે જી.આઈ.ડી.સી.ની માલિકીની જમીન હે.૨૭-૩૩-૭૭ ની અંદાજિત કિંમત રૃ.૨૩ કરોડ ૩૭ લાખની જમીન પર કુલ-૮ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં   આવેલ છે. જે બાબતે અરજદારશ્રીને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવેલ છે.

શહેરના ખાપટ ગામે સરકારી જમીન પર ચો.મી.૧૫૬૦-૦૦ જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૃ.૬૩,૫૭,૦૦૦/- પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોય, જે દબાણ સ્વેચ્છાએ દુર કરવામાં આવેલ છે.

ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-ર૦ર૦ ની સમિતિની બેઠકમાં અઘ્યક્ષ સ્થાનેથી કલેકટર એ.એમ. શર્મા, સભ્ય અને જિલ્લા વિકાસ અઘિકારી, વી.કે.અડવાણી, સભ્ય સચિવ અને નિવાસી અઘિક કલેકટર એમ.કે.જોષી, નાયબ પોલીસ અઘિક્ષક, પોરબંદર ગ્રામ્ય સ્મિત એમ.ગોહીલ, નાયબ કલેકટર, પોરબંદર કે.વી.બાટી, નાયબ કલેકટર, કુતિયાણા એ.જે.અસારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(1:29 pm IST)