Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીના મમુદાઢીની હત્યામાં વધુ બે શખ્સો પોલીસના સકંજામાં : કાર ખેરવા નજીકની મળી

મુખ્ય સુત્રધાર રફીક સહિત અન્ય ૮ શખ્સોની શોધખોળ : મૃતક અને આરોપીના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૦ :  મોરબીના નામચીન મમુદાઢી ઉપર સરાજાહેર ફાયરીંગ કરી હત્યાના બનાવમાં પોલીસે વધુ બે શખ્સોને સંકજામાં લઇ લીધા છે. તેમજ હત્યામાં વપરાયેલ કાર વાંકાનેરના ખેરવા પાસેથી કબ્જે કરી છે.

મોરબીના શનાળા બાયપાસ નજીક કારમાં આવેલ ઇસમોએ ધડાધડ ફાયરીંગ કરીને કારમાં સવાર મમુ દાઢી સહિતના ત્રણ વ્યકિતને નિશાન બનાવ્યા હતા જે બનાવમાં મમુ દાઢીનું મોત થયું હતું જે હત્યાના બનાવ મામલે ૧૩ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હોય જેમાં હત્યામાં વપરાયેલ કાર પોલીસે કબજે લીધી છે. હત્યામાં સંડોવાયેલ ૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ વધુ બે શખ્સોને સકંજામાં લીધા છે.

મામલે મૃતકના પુત્ર મકબુલ મહમદ હનીફભાઈ કાસમાણીએ આરોપી રફીક રજાક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનીયા, આરીફ ગુલામ મીર, ઈસ્માઈલ યારમામદ બ્લોચ, રીયાઝ રજાક ડોસાણી, ઈરફાન યારમામદ બ્લોચ, રમીજ હુશેન ચાનીયા, મકસુદ ગફુર સમાં, એઝાજ આમદ ચાનીયા અને ચાર અજાણ્યા ઈસમો સહિતના ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી પાંચ શખસો પોલીસના સકંજામાં છે અને મુખ્ય સુત્રધાર રફીક માંડવીયા સહિત અન્ય ૮ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.  દરમિયાન ગેંગવોરની ઘટના બાદ હત્યાનો ભોગ બનનાર મમુદાઢી તથા આરોપીઓના વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(1:27 pm IST)