Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

૩૦ મી સુધી કેશોદ વિમાનઘર શરૃ થઇ જશે

જુનાગઢમાં ગિરનાર પર્વતના લીધે શકય ન થતા નવાબ મહોબત ખાનજીએ એરોડ્રેમનું બાંધકામ શરૃ કરાવેલ : રાજકોટમાં ટ્રાફિક ખેંચાઇ જતા કેશોદ એરપોર્ટ બંધ થયેલુઃ ફરી ૧૦૦ દિવસ માટે ચાલુ થશે 

કેશોદ તા. ૧૦ :..વરસોથી બંધ પડેલુ સ્થાનિક કેશોદ વિમાન ઘર મોડામાં મોડુ ૩૦-૧૧-ર૧સુધીમાં કાર્યરત થઇ જશે કેશોદના આ વિમાન ઘર ઉપર જરૃરી સ્ટાફ અને અન્ય તમામ સગવડતાઓ તૈયાર છે માત્ર ગ્રીન સિગલની જ જરૃર છે.

કેશોદ એરપોર્ટ જુનાગઢના છેલ્લા નવાબ મહોબતખાન ત્રીજાએ પોતાના અંગત ઉપયોગ માટે બનાવવાની શરૃઆત કરી હતી. જુનાગઢમાં ગીરનાર પર્વતના કારણે એરોડ્રામ શરૃ કરવુ શકય નથી જેથી કેશોદની પસંદગી કરી અહીંયા એરોડ્રામ બનાવવાથી શરૃઆત કરી હતી. પરંતુ આ એરોડ્રામનું બાંધકામ પુરૃ થાય અને તેનો ઉપયોગ શરૃ થાય એ પહેલા હિન્દુસ્તાન - પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે આજના જેવા વાહનો રસ્તા અને સંદેશા વ્યવહાર ન હતા જેથી જુનાગઢના આ છેલ્લા નવા બે જુનાગઢથી કેશોદ આવતા પહેલા શાપુર રાત્રી રોકાણ કર્યુ હતું અને બીજા દિવસે કેશોદ આવી પોતાના અંગત વિમાનમાં પાકિસ્તાન રવાના થયા હતા તે સમયે આજના આ વિમાન ઘરનું બાંધકામ અઘુરૃ હતુ અને આ એરોડ્રામ રોડ ઉપરની આજની સુમન સોસાયટી (ર) સોમનાથ સોસાયટી (૩) સર્વોદય સોસાયટી વિગેરે કાઇ ન હતું. ઓપન ગ્રાઉન્ડ હતુ અને ત્યાંથી મહોબતખાન પાકિસ્તાન જવા માટે પોતાના પરિવારના સભ્યો સાથે રવાના થયા હતાં.

નવાબની રવાનગી પછી અધુરા રહેલા આજના એરોડ્રામનું  બાંધકામ કેન્દ્ર સરકારે પુરૃ કરાવ્યુ હતુ અને ત્યારબાદ મુંબઇ-કેશોદ-પોરબંદર વિમાની સર્વિસ નિયમિત ચાલતી અને મુંબઇ-કેશોદ અથવા કેશોદ - મુંબઇનું ભાડુ ૭૬ રૃા. હતું પરંતુ ત્યાર પછી દિવ એરોડ્રામ શરૃ થતા અને રાજકોટથી વધારે સગવડતા મળતા અહીંનો ટ્રાફીક ત્યાં ખેંચાય જતા અહીંથી મુસાફરો નહિ મળતા આ એરોડ્રામ બંધ પડયુ હતું જો કે તે માટેનો જરૃરી સ્ટાફ યથાવત રહયો હતો.

બંધ પડેલુ આ વિમાન ઘર શરૃ કરાવવા માટે ચેમ્બરના પ્રમુખ મગનભાઇ કોટડીયાએ બે વરસ પહેલા પ્રયત્નો કર્યા હતા અને તેના પરિણામ રૃપે શરૃ થવાની જાહેરાત પણ થઇ હતી પરંતુ કોરોનાના કારણે શરૃ થઇ શકયુ ન હતું. હવે ફરી તા. ૩૦ નવેમ્બર સુધીમાં શરૃ કરવાની કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. કેશોદ ખાતે નવાબી કાળમાં બનાવવામાં આવેલ એરપોર્ટ લાંબા સમયથી બંધ હાલતમાં હતુ. જે ચાલું કરવા વારંવાર સ્થાનિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા રજુઆતો કરવામાં આવેલ હતી. ધારાસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બને એ પહેલાં સંખ્યાબંધ વખત જાહેરાતોની સાથે તારીખોની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પોકળ સાબિત થઈ હતી. કેન્દ્ર સરકાર નાં ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે એલાન કરી ઉડાન યોજના હેઠળ ગુજરાત નાં જુનાગઢ જીલ્લાના કેશોદ એરપોર્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે.જેથી  કેશોદ એરપોર્ટથી ઉડાન હેઠળ ફલાઈટ શરૃ થવાની આશા બંધાઈ છે.

ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ અંગે જાહેરાત કરતા જણાવેલ કે પ્રારંભિક હવાઈ યાત્રા આગામી ૧૦૦ દિવસ માટે ચલાવવામાં આવશે પુરતો ટ્રાફિક મળશે તો કાયમી ધોરણે આ સેવા ચાલુ રાખવામાં આવશે.

કેશોદ સહિત દેશના વધુ પાંચ એરપોર્ટ ઉડાન સ્કીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કેશોદ આસપાસનાં વિસ્તારમાં સાસણગીર લાયન સેન્ચુરી, જુનાગઢ ગરવો ગિરનાર અને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત ઔધોગિક વિસ્તાર આવેલો છે ત્યારે કેશોદ એરપોર્ટ પરથી શરૃ થનારી હવાઈ યાત્રા કાયમી ધોરણે ચાલું રહેશે એવી આશા સોરઠનાં લોકો રાખી રહ્યાં છે. આ હવાઈ સેવા શરૃ થશેતો દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપરાંત જુનાગઢ જિલ્લા અને સોમનાથ જિલ્લાના ધંધાથીઓ માટે  આશિર્વાદરૃપ સાબિત થશે

(1:23 pm IST)