Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગોકુળીયુ ગોંડલ ગણેશ ઉત્સવ ઉજવશેઃવોરા કોટડા રોડ ઉપર વિસર્જન કરાશે

ગોંડલ, તા.૧૦: જન્માષ્ટમીના તહેવારો બાદ ગોકુળીયું ગોંડલ ગણેશ ઉત્સવમય બની જતું હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતા ન હોય આ વર્ષે સરકારી ગાઈડલાઈન્સ મુજબ થોડી છૂટછાટ મળતા વિઘ્નહર્તા ના ગણેશ ઉત્સવ ઉજવવા સમગ્ર નગરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે સાત દિવસ માટે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શુક્રવાર બપોરેના ૧૨:૦૦ કલાકે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાનેથી ગણેશજીને વાજતે ગાજતે ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે લાવવામાં આવશે આવી જ રીતે સ્ટેશન પ્લોટ, દરબાર ચોક, દેરાસરી, બાવાબારી, ભગવતપરા, કૈલાશ બાગ સોસાયટી તેમજ દાસી જીવણ પાર્ટી પ્લોટ નજીક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવનાર છે શહેર પોલીસ સ્ટેશન ખાતે ૧૧ જેટલા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી માગવામાં આવી છે.

આ તકે ગોંડલ નગરપાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે શહેરની જનતાના પીવાના પાણીના જળાશયો આશાપુરા ડેમ તેમજ સેતુબંધ ડેમ ખાતે ગણેશ વિસર્જનની મનાઈ કરવામાં આવી છે વિસર્જન માટે પ્રતિ વર્ષ મુજબ વોરાકોટડા રોડ પાણીની ખાણ પાસે વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું છે સરકારી ગાઈડલાઈન્સ મુજબ વિસર્જન વેળા એ એક વાહન અને ૧૫ વ્યકિતને મંજૂરી આપવામાં આવી છે જેનું પાલન ગણેશ ઉત્સવ ઉજવતા દરેક મંડળોએ કરવાનું રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.

(11:52 am IST)