Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ભાવનગરમાં ચાર સ્થળે તસ્કરો ત્રાટકયાઃ અઢી લાખની મત્તા ગઇ

ભાવનગર તા. ૧૦: ભાવનગરનાં ગાયત્રીનગર વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીના મળી કુલ રૂ. ર.૩૬ લાખની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. જયારે જલારામ સોસાયટીમાં આવેલ ઓમ કોમ્પલેક્ષનાં ત્રણ બંધ ફલેટનાં પણ તાળા તોડી તસ્કરો ચોરી કરી નાસી છુટયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ચાર સ્થળે ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ શહેરનાં ઘોઘા રોડ ગાયત્રીનગર વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય-મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીનાં મકાનની સામે પ્લોટ નં.પ૯૩૩ માં રહેતાં કનુભાઇ રામજીભાઇ ઘટાડ તેનાં પરિવાર સાથે પિતૃ તર્પનવિધી માટે કોળીયાક ગયા હતાં ત્યારે તેનાં બંધ મકાનમાં ત્રાટકી તાળા તોડી લોખંડના કબાટમાં રાખેલ રોકડ રૂ. ર લાખ અને સોના-ચાંદીનાં દાગીના સહિત કુલ રૂ. ર૩૬પ૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા.

આ અંગે કનુભાઇ એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરીયાદ નોંધાવી છે. તેમજ તસ્કરોએ આજ વિસ્તારમાં જલારામ સોસાયટી પ્લોટ નં. ૬/એ માં આવેલ ઓમ સેલ્.સ કોમ્પલેક્ષનાં પહેલા માળે બ્લોક નં. ૧ માં રહેતાં સીલ્પાબેન કેતનભાઇ પંડયાનાં, બીજા માળે બ્લોક નં. ર માં રહેતાં પંકજભાઇ ગણેશભાઇ પંડયા, ચોથા માળે બ્લોક નં. ૪ માં રહેતાં દિલીપભાઇ કાળુભાઇ ભાડીનાં મકાનનાં પણ તાળા તોડી ચોરી કરેલ છે.આ અંગે ભરતનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. યાદવ ચલાવી રહ્યા છે. તસ્કરો એ જલારામ સોસાયટીમાં ત્રણ મકાનોનાં તાળા તોડી ચોરી કરી છે પરંતુ કેટલી રકમની ચોરી કરી છે. તેનો ફરીયાદમાં ઉલ્લેખ નથી આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. આમ ભરતનગર પોલીસ સ્ટેશન હેઠળ એકજ દિવસે ચોરીનાં ચાર બનાવો બનવા પામ્યા છે. 

(11:52 am IST)