Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

હળવદ-૩, ધ્રાંગધ્રા-પાટડીમાં સવારે દોઢ ઇંચ

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૬ તાલુકામાં ઝાપટાથી માંડીને ૧ ઇંચઃ મિશ્ર વાતાવરણનો માહોલ સર્વત્ર યથાવત : હળવદ તાલુકાના બુટવડામાં વિજળી પડતા ર ગૌવંશના મોત

રાજકોટ, તા., ૧૦: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે મોરબી જીલ્લાના હળવદમાં સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા અને પાટડીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

મોરબી જીલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ હળવદમાં સવારે ૬ થી ૮ દરમિયાન ૧ ઇંચ અને ૮ થી ૧૦ દરમિયાન ર ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે મોરબીમાં ઝાપટા રૂપે ૩ મી.મી. વરસાદ પડયો હતો. સવારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા અને  પાટડીમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. હળવદ તાલુકાના બુટવડામાં વિજળી પડતા ર ગૌવંશના મોત થયા છે.

ભાવનગર જીલ્લાના ભાવનગર શહેરમાં  પોણો ઇંચ અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે બોટાદ જીલ્લાના બરવાળામાં પોણો ઇંચ તથા બોટાદ શહેર અને રાણપુરમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

દેવભુમી દ્વારકા જીલ્લાના દ્વારકા શહેર અને ખંભાળીયામાં ઝાપટા પડયા છે. જયારે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં અડધો ઇંચ અને વેરાવળમાં ઝાપટા વરસ્યા છે.

જામનગર જીલ્લાના લાલપુરમાં છેલ્લા ર૪ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે જામજોધપુરમાં અડધો ઇંચ તથા કાલાવાડ, જામનગર અને ધ્રોલમાં ઝાપટા વરસ્યા છે. જુનાગઢના માણાવદર અને વંથલીમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડયો છે.

છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૬ તાલુકામાં ઝાપટાથી લઇને ૧ ઇંચ વરસાદ પડયો છે.

(11:17 am IST)