Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઓન ધ સ્પોટ રસીકરણની વ્યવસ્થા અને રાત્રી સભા થકી બોડકાના લોકોને થઈ સુશાસનની પ્રતીતિ

જામનગર, તા.૧૦: જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વેકિસનેશનની સો ટકા કામગીરી થાય અને સર્વેને સુરક્ષાચક્ર પ્રદાન થાય તે માટે જે તે વિસ્તારોમાં રસીકરણ અંગે લોકોને પ્રશ્નો હોય કે લોકો વેકિસન લેવાથી આડઅસર થાય છે આ પ્રકારની અનેક અફવાઓથી લોકો ભરમાતા હોય તે વિસ્તારોમાં અધિકારીઓએ મુલાકાત લઇ લોકોને સમજૂતી કરવાની ઝુંબેશ હાથ ધરી છે, ત્યારે જામનગરના જોડીયા તાલુકાના પીઠડ આરોગ્ય કેન્દ્રની નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન રાઠોડે મુલાકાત લીધી હતી. જોડીયામાં પીએચસી દીઠ બે ગામમાં રસી ન લેવા માંગતા લોકોનો સર્વે કરવામાં આવ્યો. સર્વે બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રસી ન લેવા માંગતા વિસ્તારોની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ અંગે લોકોને સમજૂત કરવાના કામમાં અધિકારીશ્રીએ પહેલ કરી.

જોડિયાના પીઠડના પીએચસી ખાતે આ અંગે તપાસ કરતા જોડિયા થી ૦૩ કિલોમીટર દૂરના બોડકા ગામ વિશે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ખ્યાલ આવ્યો કે ત્યાં આશરે ૧૦૦ જેટલા આદિવાસી તથા દેવીપૂજક સમાજના લોકો રસી લેવા માંગતા નથી. આરોગ્ય વિભાગના અનેક પ્રયત્નો અને અનેક સમજૂતી કાર્યક્રમ કરવા છતાં પણ લોકો રસી વિશે અનેક અવિશ્વાસભર્યા કારણોથી દોરવાયેલા હતા. આ તકે, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તેમની ટીમના ફિમેલ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર, એફ.પી.એસ દુકાનદાર, સરપંચ, તલાટી સહિતની ટીમ બોડકા પહોંચી. આશરે ૨૦૦ જેટલા ગ્રામજનોએ આવકારીને અધિકારીઓ સાથે વાતચીત પણ કરી.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન રાઠોડ અને ટીમ દ્વારા વેકિસનને લઈને અવિશ્વાસ દર્શાવતા દરેક વ્યકિત સાથે ખૂબ શાંતિપૂર્વક વાતચીત કરવામાં આવી, તેમને સમજાવવામાં આવ્યા અને તેની ગેરસમજ દૂર કરવામાં આવી. આ ગેરસમજણ દુર થતા જ ઓન ધ સ્પોટ રાત્રિના ૧૧ વાગ્યા સુધીમાં ૯૦ જેટલા લોકોએ સ્વેચ્છાએ ખુશીથી રસીકરણ કરાવ્યું.

વળી ઓન ધ સ્પોટ રસીકરણ સાથે જ આ મુલાકાત એક રાત્રી સભા પણ બની ગઈ. ગામના લોકોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેમના પ્રશ્નો અને રજૂઆતો પણ કરી અને સ્થળ પર જ અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. દરેક વિભાગના અધિકારીને કામગીરી માટેના સુચનો પણ અપાઈ ગયા. આમ, રસીકરણ અભિયાન અને રાત્રી સભા થકી ગામના દરેક લોકોની આંખ અને ચહેરા પર તંત્ર ઉપરનો વિશ્વાસ છલકતો જોવા મળ્યો હતો અને બોડકા ગામના લોકોને સુશાસનની પ્રતિતી થઇ હતી.

(10:21 am IST)