Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પાટડી વડગામમાં ચાની કીટલી ચલાવતા પિતાના દિકરાએ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

આંધપ્રદેશની કબડ્ડી ટીમને 37/33થી પરાસ્ત કરી ગુજરાત કબ્બડી ટીમ ચેમ્પીયન બની: વડગામના ઠાકોર સુમિતકુમારે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, ટ્રોફી અને રૂ.41હજારની નકદ રાશિ મેળવી

પાટડીના વડગામમાં ચાની કીટલી ચલાવતા પિતાના ગરીબ દિકરાએ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં આંધપ્રદેશની કબડ્ડી ટીમને 37/33થી પરાસ્ત કરી ગુજરાત કબ્બડી ટીમે ચેમ્પીયન બની હતી. જેમાં વડગામના ઠાકોર સુમિતકુમાર મનુભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, ટ્રોફી અને રૂ.41હજારની નકદ રાશિ મેળવી છે.

તાજેતરમાં ટોક્યો ખાતે યોજાયેલી રમત-ગમત સ્પર્ધામાં ભારતે ભાલા ફેંક, હોકી અને વેઇટ લીફ્ટીંગ સહિતની વિવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સહિતના મેડલો જીતી ભારતનું નામ વિશ્વ ફલક પર ગુંજતુ કર્યું છે. આથી હવે ધીમે ધીમે યુવાનોમાં વિવિધ રમતો પ્રત્યેનો ક્રેઝ વધ્યો છે. એમાય શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ રમતો પ્રત્યે રૂચી વધી છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓએ તો કૂશ્તી અને કબડ્ડી સ્પર્ધામાં નામના પણ મેળવી છે.

 તાજેતરમાં રાજસ્થાનના પાટનગર જયપુર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી લીગ સ્પર્ધામાં પાટડી તાલુકાના વડગામના ઠાકોર સુમિતકુમાર મનુભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, ટ્રોફી અને રૂ.41હજારની નકદ રાશિ મેળવી છે. આ રાષ્ટ્રીય લેવલી કબડ્ડી સ્પર્ધાની ફાઇનલ મેચમાં આંધપ્રદેશની કબડ્ડી ટીમને 37/33થી પરાસ્ત કરી ગુજરાત કબ્બડી ટીમે વિજય પોતાના નામે કર્યો હતો. આ વિજય હાંસલ કરવામાં પાટડી તાલુકાના વડગામ ગામના ઠાકોર સુમિતની મહત્વની ભૂમિકા રહી હતી. અગાઉ ભૂતકાળમાં પણ વડગામનો સુમિત ઠાકોર અનેક ટ્રોફી જીતી ચૂક્યો છે. ચાની કીટલી ચલાવતા સુમિતના પિતા મનુભાઈ પુત્રની આ વિરલ સિદ્ધિથી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. સાથે વડગામવાસીઓ પણ સુમિત ઠાકોર માટે ગર્વ મહેસૂસ કરી રહ્યા છે.

(12:36 am IST)