Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કચ્છમાં કોરોનાથી કેટલા મોત?, બેડ વેન્ટિલેટર નથી, દર્દીઓની માહિતી છુપાવાય છે : કોંગ્રેસના આક્રમક સવાલો

કોરોનાના કેસ અને મોતના વધતા ભય વચ્ચે ભુજ પાલિકા વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ડીડીઓ પાસે આંકડાઓ જાહેર કરવા કરી માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૦:  માર્ચથી શરૂ થયેલ કોરોના કેસની શરૂઆત પછી કચ્છમાં અત્યારે પરિસ્થિતિ ભારે વિકટ બની છે. ત્યારે કોરોનાકાળના છ મહિનામાં કચ્છમાં તંત્રની કામગીરી સામે કચ્છ કોંગ્રેસના યુવા નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રૂબરૂ રજુઆતમાં અને લેખિતમાં આવેદનપત્ર દ્વારા અણિયાળા સવાલો કર્યા છે. કચ્છમાં કોરોના સંદર્ભે કામગીરીનું સુપરવિઝન કરતા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને ઉદ્દેશીને લખેલા પત્રમાં ભુજ નગરપાલિકા વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભુજમાં કોરોનાના વધતા જતાં કેસ સંદર્ભે માહિતી છુપાવાઈ રહી છે. આજની યાદીમાં પણ ભુજના દર્દીઓના નામ ગાયબ છે. માહિતી છુપાવવાના કારણે કોરોનાના દર્દીઓના વિસ્તારમાં રહેતા લોકોને પણ ખ્યાલ આવતો ન હોઈ સંક્રમણ વધી રહ્યું છે.

કોરોનાગ્રસ્ત પરિવારના અન્ય લોકોના સેમ્પલ વારંવાર કહેવા છતાંયે લેવાતા નથી. આરોગ્યનો સ્ટાફ કન્ટેનમેન્ટ માટે પણ રૂબરૂ આવતો નથી. ભુજની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને રાખવાની આનાકાની કરાય છે. વેન્ટિલેટર બેડ ન હોવાનું જણાવાય છે.

કચ્છની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં જ જો માત્ર ૧૬ વેન્ટિલેટર હોય તો તંત્રએ અત્યાર સુધી છ મહિનામાં શું તૈયારી કરી? મુન્દ્રા, માંડવી, ગાંધીધામમાં શરૂ કરાયેલી હોસ્પિટલોમા પૂરતી સુવિધા નથી. ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની સારવાર લોકોને પોસાતી નથી. કોરોનાના દર્દીઓને સ્માર્ટ ફોન રાખવાની છૂટ શા માટે અપાતી નથી? ભુજમાં કોવિડના દર્દીઓ માટે અલગ સ્મશાન બનાવવાની રજુઆત અને ગતિવિધિ એ દર્શાવે છે કે, કચ્છમાં કોરોનાની પરિસ્થિતિ વિકરાળ છે.

તો, સરકારી યાદીમાં અને મીડીયામાં આવતા સમાચારોમાં કોરોનાના દર્દીઓના મોતની સંખ્યા વિશેના આંકડા અલગ અલગ હોય છે. એટલે અત્યાર સુધીમાં કચ્છમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની વિગત તારીખ અને નામ સહિત જાહેર કરવામાં આવે. રાજેન્દ્રસિંહ જાડેજા અને અન્ય કોંગ્રેસી આગેવાનો દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ પ્રજાપતિને આ આવેદનપત્ર અપાયું હતું.

(3:53 pm IST)