Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમરેલી જિલ્લામાં કોરોના દર્દીઓને ઝડપી સારવાર આપવા જયપ્રકાશ શિવહરેની સૂચના

સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીઓની દેખરેખ માટેના મોનીટરીંગ સેલના નવતર પ્રયોગને બિરદાવતા રાજ્યના આરોગ્ય કમિશનર : ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૦ : જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજયના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીની ચેમ્બર અડીને સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર કરાયેલા મોનીટરીંગ સેલની મુલાકાત લીધી હતી.

અમરેલી વહીવટી તંત્રના પ્રયત્નોને બિરદાવતા આરોગ્ય કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ લોકડાઉનમાં આંશિક છૂટછાટ બાદ સુરત અને અમદાવાદથી મોટા પ્રમાણમાં લોકોની અવર જવર ચાલુ થતા કેસોની સંખ્યા વધી હતી. જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ટેસ્ટ કરીને એક-એક કેસને ડિટેકટ કરવામાં સફળ રહ્યું છે. ધનવંતરી રથ અને નિયંત્રણના અન્ય પગલાંઓ થકી એકંદરે કોરોના સામે લડત આપવા સ્થાનિક તંત્ર સફળ રહ્યું છે. આવી જ રીતે જિલ્લામાં વધુમાં વધુ ટેસ્ટ થાય અને કોરોના પોઝિટિવ દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળતી રહે એ દિશામાં કાર્ય કરવા આરોગ્ય કર્મીઓને સૂચના આપવામાં આવી હતી.

સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર થયેલા મોનીટરીંગ સેલના જિલ્લા વહીવટી તંત્રના આ નવતર પ્રયોગને બિરદાવતા કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે અમરેલીની કોવીડ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના દ્રશ્યો થકી એકે-એક વોર્ડ/ બેડ ઉપર દેખરેખ રાખવાનો આ પ્રયોગ ખુબ જ પ્રશંસનીય છે. ઓછા સ્ટાફથી એક જ સમયે તમામ વોર્ડનું મોનીટરીંગ થાય છે અને આ પ્રયોગથી સાફ-સફાઈ/ સેનિટાઇઝેશનની કામગીરી પણ સારી રીતે થાય છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું.

બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે પ્રેઝન્ટેશનના માધ્યમથી અમરેલી જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા, સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડના બેડ, આઈસીયુ, દવાના જથ્થાની ઉપલબ્ધતા, કન્ટેઈનમેન્ટ ઝોન, હોમિયોપેથીક તથા આયુર્વેદની દવાઓના વિતરણ તથા બહારથી આવતા લોકોને કોરોન્ટાઈન કરવાની કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. અમરેલી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, ડોકટરશ્રીઓ તથા અન્ય આરોગ્ય કર્મીઓઓ એક ટીમ તરીકેની કામગીરી કરી રહ્યા છે જે બદલ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

નોંધનીય છે કે હાલ અમરેલી જિલ્લામાં કોરોનાના કુલ ૧૪૭૮ દર્દી નોંધાયેલા છે જે પૈકી ૧૨૧૧ જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે અને હાલ ૨૩૯ દર્દી સારવાર હેઠળ છે અને કુલ ૨૮ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એ. બી. પાંડોર, પ્રાંત અધિકારી શ્રી સી. કે ઉંધાડ, પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી કે. એસ. ડાભી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, કોવીડ હોસ્પિટલના ડો. બી. એલ. ડાભી,, કોવીડ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના તબીબો સહિતના તમામ આરોગ્યકર્મીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:50 pm IST)