Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જૂનાગઢમાં પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફને તિરંગા સિમ્‍બોલ લગાડીને ‘હર ઘર તિરંગા' કાર્યક્રમની ઉજવણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦ : તાજેતરમાં ૧૫ મી ઓગષ્ટ ના રાષ્ટ્રીય તહેવાર નિમિતે યોજવામાં આવેલ હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પણ દરેક પોલીસ સ્‍ટેશન, પોલીસ અધિકારીઓની કચેરીઓ તેમજ પોલીસ લાઈનમાં તિરંગા ફરકાવવા નું આયોજન કરવામાં આવેલ છે.

પોલીસ વિભાગ રાષ્ટ્રભક્‍તિ માટે જાણીતો છે, એવા સમયે જૂનાગઢ જિલ્લાના એક પોલીસ અધિકારી એવા પીએસઆઈ એ. બી. દતા ની દેશભક્‍તિ ઉડીને આંખે વળગે એવી છે. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ના પીએસઆઈ આનંદ દત્તા દ્વારા પોલીસના ગણવેશમાં લગાડવાના સ્‍પેશિયલ તિરંગા સિમ્‍બોલ મંગાવી, પોતે તો લગાડ્‍યા છે, પણ અન્‍ય અધિકારીઓને પણ લગાડી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અનુસંધાને તિરંગા રેલીના કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી  સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્‍ટાફને તિરંગા સિમ્‍બોલ જાતે લગાડી, સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી.

પોલીસ અધિકારીઓ તથા સ્‍ટાફના ગણવેશ ઉપર તિરંગા સિમ્‍બોલ લગાડવાથી રાષ્ટ્ર ધ્‍વજનું માન પણ જળવાઈ છે અને લોકોમાં રાષ્ટ્રભક્‍તિ નો સંદેશ પણ ફેલાય છે, એવું પીએસઆઈ આનંદ દત્તા નું માનવું છે. જૂનાગઢ વાસીઓમાં સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસંધાને પીએસઆઈ દતાની અનોખી દેશભક્‍તિની પ્રસંશા થઈ રહી છે.

(1:18 pm IST)