Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ચોટીલા પાસે કાર અને બાઇકનો અકસ્‍માત : ૧૧ વર્ષના બાળકનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૦ : ચોટીલાના મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા તેમના પત્‍ની ભાવનાબેન અને ૧૧ વર્ષના પુત્ર રચીત સાથે બાઈક ઉપર ચોટીલાથી થાન રોડ ઉપરથી પસાર થતા હતા ત્‍યારે ચોટીલાથી ચાર કિલોમીટર દુર રોંગસાઈડમાં આવતી સ્‍કોર્પીઓ કાર સાથે બાઈક અથડાતા બાઈકચાલક મુકેશભાઈનો પગ વાહનમાં ફસાઈ જતા કપાઈ ગયો હતો. જ્‍યારે તેમના પત્‍ની-પુત્રને પણ ગંભીર ઈજા થતા ત્રણેયને ચોટીલા ખાતે પ્રાથમિક સારવાર  આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જ્‍યાં અગિયાર વર્ષના રચીનું મોત નીપજ્‍યુ હતું. અકસ્‍માતગ્રસ્‍ત સ્‍કોર્પીઓ કાર ઉપર યુવા ભાજપ મહામંત્રી-થાનનું બોર્ડ જોવા મળ્‍યુ હતુ. ચોટીલા પોલીસે ઘટનાસ્‍થળે જઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ વ્‍યવસાયે શિક્ષક એવા મુકેશભાઈ તેમના પુત્રને સેન્‍ટ મેરી સ્‍કૂલમાં પ્રવેશ અપાવવા ગયા હતા. ત્‍યાંથી ઝરીયા મહાદેવના દર્શન કરીને પરત આવતા હતા ત્‍યારે રોંગ સાઇડમાં પૂર ઝડપે ધસી આવેલી કાર અથડાઇ હતી.

ચોટીલાથી આશરે ચાર કિલોમીટર દૂર થાનગઢ તરફ બાઈક અને સ્‍કોર્પિઓ કાર વચ્‍ચે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે રોંગ સાઇડમા આવતી સ્‍કોર્પીયો કાર સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્‍માત થયો હતો. જેમાં બાઇક ચાલક ચોટીલાના મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાનો પગ જ કપાઈ ગયો હતો. તેમજ તેની પત્‍ની અને નવ વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બાળકનું મોત થયું છે.

ત્રણેય ફૂટબોલના દડાની

માફક ફંગોળાયા

ચોટીલાની હરિધામ સોસાયટીમાં રહેતાં શિક્ષક મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.૪૦) તેમના પત્‍ની ભાવનાબેન (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર રચિત (ઉ.વ.૧૧) સાથે ચોટીલા નજીક નાવાગામમાં આવેલી સેન્‍ટમેરી સ્‍કુલમાં રચીતનું એડમીશન કરાવી બાઇકમાં પરત ફરતા હતા. ત્‍યારે નવાગામ પાસે સામે રોંગ સાઇડથી પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે હડફેટે લેતાં બાઈકમાં સવાર ત્રણેય ફૂટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ત્રણેયને ગંભીર ઇજા પહોંચતાં લોકોએ સારવારમાં રાજકોટ સિવિલે ખસેડયા હતા. પરંતુ આ અકસ્‍માતની ઘટનામાં ૧૧ વર્ષનો પુત્રએ સારવારમાં પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો હતો

પરિવાર પર આભ તૂટી પડ્‍યું

આ અકસ્‍માતના બનાવની જાણ થતાં ચોટીલા પોલીસનો કાફલો સિવિલ હોસ્‍પિટલે દોડી આવી કાગળો કરી અકસ્‍માત કરી નાશી છૂટેલા અજાણ્‍યાં કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી. મળતક રચિતના પિતા મુકેશભાઈ સાયલાના ઇશ્વરીયા ગામની શાળામાં આચાર્ય છે અને પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્‍યું હતું.

ચોટીલા પાસેના અકસ્‍માતમાં ૧૧ વર્ષીય રચિતનું કમકમાટી ભર્યું મોત થયું હતુ. જે બનાવ પહેલા શ્રાવણ માસનો સોમવાર હોય જેથી પરિવારે ચોટીલા નજીક આવેલા ઝરીયા મહાદેવ મંદિરે દર્શને ગયા હતા અને ત્‍યારબાદ ઘરે આવી ગયા બાદ રચિત તેના માતાપિતા સાથે સ્‍કૂલે એડમિશન લેવા ગયો હતો અને બાઇકમાં પરત ફરતા સમયે આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી. પોલીસે અકસ્‍માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)