Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હળવદ યાર્ડમાં નવા કપાસના ભાવે ભુક્કા બોલાવ્યા : ૬૫૧૧ના ભાવે મુહૂર્તનો સોદો

કોંઢના કલ્યાણપુર ગામના ખેડૂતને નવા કપાસના વિક્રમી ભાવ મળતા ખુશખુશાલ

ટંકારા તા. ૧૦ : ઓણસાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે તો, બીજી તરફ નવા અને જુના કપાસના ભાવ વિક્રમી સપાટીએ ચાલી રહ્યા છે ત્યારે આજે હળવદ માર્કેટિંગ યાર્ડ નવી સિઝનના કપાસનો મુહૂર્તનો સોદો પ્રતિમણ રૂપિયા ૬૫૧૧ના ઓલટાઈમ હાઈએસ્ટ ભાવે સોદો પડતા આગામી સીઝનમાં કપાસના સારાભાવ મળવાની આશાએ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

દરવર્ષે નવી જણસ માર્કેટિંગ યાર્ડમાં આવે ત્યારે મુહૂર્તના સોદામાં ભાગ્યશાળી ખેડૂતને પ્રથમ નિપજના ઉંચાભાવે સોદા થતા હોય છે જે અન્વયે આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કોંઢના કલ્યાણપુર ગામના ખેડૂત રમેશભાઈનો નવી સિઝનનનો કપાસ વેચવા માટે આવતા કપાસના વધામણાં માટે મુહૂર્તનો સોદો વાજતે ગાજતે થયો હતો અને હરરાજીમાં નવા કપાસ માટે રૂપિયા ૧૪૦૦થી બોલી શરૂ થઇ હતી જે વેપારીઓની ચડસા-ચડસીમાં છેલ્લે ધાવડી કૃપા નામની વેપારી પેઢી દ્વારા પ્રતિમણ રૂપિયા ૬૫૧૧ના ભાવે સૌથી ઉંચી બોલી નવો કપાસ ખરીદ કરવામાં આવ્યો હતો.

જો કે, સામાન્ય રીતે હાલમાં કપાસિયા તેની બજાર ઉંચી જતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ પ્રતિમણના ઉંચામાં ઉંચા ૧૭૦૦ અને નીચામાં ૧૧૦૦ રૂપિયા પ્રતિમણના ભાવ મળી રહ્યા છે. આ સંજોગોમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં ૬૫૧૧ના ભાવે નવો કપાસ વેંચતા આ વર્ષે ખેડૂતોને પ્રવર્તમાન બજાર મુજબ સારા ભાવ મળવાની આશા બંધાઈ છે.

(3:20 pm IST)