Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અસ્થિકુંભની યાત્રા સાંજે જૂનાગઢ પહોંચશે

'આત્મીય સંસ્કારધામ'માં સાંજે ૪.૩૦ થી ૭ સુધી દર્શન-પૂજનનો કાર્યક્રમઃ ભાવવંદના થશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦ :. યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિના કુંભ સાથેની યાત્રા તા. ૧૦ ઓગષ્ટે જૂનાગઢ પહોંચશે. આ અસ્થિકુંભના દર્શન-પૂજન માટેનો એક કાર્યક્રમ ઝાંઝરડા ચોકડી પાસે નિરંજન નગરમાં આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે યોજવામાં આવ્યો છે. મંગળવારે સાંજે ૪.૩૦થી ૭.૦૦ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભકતો તેમજ નગરજનો અસ્થિકુંભના દર્શન-પૂજન દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શકશે.

આ કાર્યક્રમની સાથે કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ભકિતપ્રિય સ્વામી સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહીને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના યુગકાર્યની ઝાંખી કરાવશે.

જૂનાગઢ ખાતે યોગી ડિવાઈન સોસાયટીની યુવાવિકાસની પ્રવૃતિની જવાબદારી સંભાળતા પૂજ્ય સુયોગજીવન સ્વામીના જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ પરંપરામાં જૂનાગઢનું આગવુ મહત્વ છે. ભકિત અને શકિતનો સ્ત્રોત ગણાતા આ ગિરિનગરને ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક વખત પધારીને તીર્થત્વ બક્ષ્યું છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની તો આ કર્મભૂમિ રહી છે. ગુરૂહરિ યોગીજી મહારાજ પણ અ વારનવાર જૂનાગઢ પધારતા. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના હૃદયમાં જૂનાગઢનું વિશેષ સ્થાન રહ્યું છે.

આત્મીયતાની પ્રતિષ્ઠા કરીને સહુને સુખી જીવનનો મંત્ર આપનાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના શ્રીચરણોમાં કૃતજ્ઞતાનો અર્ધ્ય અર્પણ કરવા ભાવિકો અને ભકતોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

આત્મીય સંસ્કારધામ-જૂનાગઢ ખાતે પરમ પૂજ્ય સ્વામીજીના અસ્થિકુંભ દર્શન-પૂજનના કાર્યક્રમમાં જૂનાગઢ તથા સોરઠ વિભાગના ભાવિકો-હરિભકતો ભાગ લેશે તેમ સાધુ સુયોગજીવનદાસ તથા સત્સંગ મંડળે જણાવ્યુ છે.

(1:46 pm IST)