Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જામનગરમાં તબીબોની હડતાલ યથાવત : કોરોના વોરિયર્સને શ્રધ્ધાંજલિ અર્પણ : ટોપી પહેરીને વિરોધ પ્રદર્શન

જામનગર : જામનગર સહિત ગુજરાતમાં જુનિયર તબીબો અને બોન્ડેડ ડોકટરોનો વિરોધ યથાવત છે અને એક સપ્તાહથી રાજયના તમામ જુનિયર ડોકટરો અને એપ્રેન્ટીસ તબીબી વિદ્યાર્થીઓ પોતાની માંગણીને લઇને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે સાત દિવસના અંતે જામનગરમાં મેડીકલ કેમ્પસ ખાતે કેન્ડલ અને મોબાઈલની ટોર્ચ લાઇટ વડે જુનિયર તબીબો એ કોરોના માં મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સ તેમજ અન્ય લોકોને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી સાથે સાથે પોતાની માંગણીને લઇને we want justice ના નારા પણ લગાવ્યા હતા. બાદમાં આઠમા દિવસે પણ ટોપી પહેરી પોતાની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં ૫૦૦થી વધુ જુનિયર ડોકટરો અને બોન્ડેડ ડોકટર છેલ્લા એક સપ્તાહથી હડતાળ પર છે. જયારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજયની બીજા ક્રમની ગણાતી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ માં પણ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. એક તરફ જુનિયર ડોકટરો પોતાની માંગણીને લઇને અડગ છે તો બીજી બાજુ સરકાર દ્વારા પણ આ મુદ્દે કડક વલણ લખવામાં આવી રહ્યાનું સામે આવે છે. ત્યારે ડોકટર્સ ની હડતાલ ને લઈને દર્દીઓની હાલત કફોડી બની છે. જુનિયર ડોકટર પોતાની બોન્ડ, બદલી, ૭માં પગાર પંચ સહિતની ૪ માંગણીને લઈ તબીબોનો વિરોધ કરી રહ્યા છે. નિમણૂક સમયે ૧૦ લાખના બોન્ડ અને સીવિલમાં ડ્યુટી કરવાની શરત હતી. જે શરતો નો પણ ભંગ કરાયાનો આક્ષેપ લગાવાઇ રહ્યો છે. જયા સુધી સરકાર પોતાના નિર્ણય નહીં બદલે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. તેમ જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે . જામનગરની મેડિકલ કેમ્પસમાં તબીબોએ પોતાની માંગણીને લઇને અડગ છે અને જયાં સુધી તેમની માગણી ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જણાવી રહ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:43 pm IST)