Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કાલે મચ્છુ જળ હોનારતની ૪૩મી વરસી

પોતાના સ્વજનો ગુમાવનારા મોરબીવાસીએ અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલી અર્પીને કુદરતની એ ક્રુરતાને પણ યાદ કરશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૦ :.. અવિરત ચાલ્યા જતા સમયના વહેણમાં આજે મોરબી નગરીને મસાણનગરી બનાવી દેનાર ગોઝારી મચ્છુ જળ હોનારતને આવ્યા અને ગયાને ૪ર વર્ષના વ્હાણા વાઇ ગયા. અને આવતીકાલે તા. ૧૧-૮ ના તેની ૪૩ મી વરસી પ્રસંગે પોતાના સ્વજનો ગુમાવનારા મોરબીવાસીઓ અશ્રુભીની આંખે તેમને શ્રધ્ધાંજલી આપી કુદરતની એ ક્રુરતાને પણ યાદ કરશે.

તારીખ હતી ૧૧-૮-૧૯૭૯ અષાઢ અને શ્રાવણની મેઘધારાઓ ગાંડીતુર બની મોરબી પંથકમાં વરસી રહી હતી. મોરબી તેમજ આજુબાજુના પંથકમાં સતત ત્રણ દિવસથી વરસતા વરસાદે મોરબીવાસીઓનું જીવન દોહ્યલું  બનાવી દીધું હતું. વેપારીઓ પોતાના કામધંધા બંધ કરી ઘેર આશ્રય લેવા મજબુર બન્યા હતાં. સતત પવનના સુસવાટા અને વરસતા ભારે વરસાદે વાતાવરણ ગમગીન અને ડરાવણું બનાવી દીધું હતું.

તા. ૧૧-૮ અને શ્રાવણ માસની  બોળ ચોથ હતી બપોરે અંદાજે ર.૪પ વાગ્યાની આસપાસ શહેરની શેરીઓમાં અમંગળ કહી શકાય તેવી જોરશોરથી ચીસો સાંભળવા માંડી મોરબીનો મચ્છુ-ર ડેમ તુટયો છે. ઘરમાંથી નીકળો અને ભાગો... ભાગો...

મોરબીથી માત્ર પાંચ કી. મી.ના અંતરે આવેલ અને મોરબીમાં વિનાશનું તાંડવ સર્જવા માટે તુટેલા મચ્છુ-ર ડેમના પાણી માત્ર ર૦ મીનીટમાં શહેરભરમાં ફરી વળ્યા અને ૧૦ થી ૩૦ ફુટ સુધી શહેરભરમાં પહોંચી ચુકેલા પુરહોનારતના પાણીએ ગણત્રીની મીનીટોમાં જ હજારો હજારો હરતી ફરતી માનવ જીંદગીઓ, અબોલ પશુઓ પ૩ મોતની મ્હોર મારી તેને કાયમ માટે મોતની સોડ તાણી, સુવડાવી દઇ પોતાની સાથેના વ્હેણમાં ગરકાવ કરી દીધા.

ભાગો ભાગોની ચીચીયારીઓમાં અનેક પરિવારો વિખુટા પડયા કોઇને આશ્રય  તેવા ઉંચા સ્થાનો પ્રાપ્ત થઇ ગયા તો કોઇ ધસમસતા પુરના પાણીમાં કાયમ માટે પરિવાર છોડી અનંતની યાત્રાએ નીકળી ગયા. શહેરના મહાકાય બીલ્ડીંગો પતાની માફક ટપોટપ પડવા લાગ્યા. કોઇએ પોતાના પરિવારજનોને પાણીમાં તણાતા સગી આંખે જોયા તો કોઇના મરણમુડીથી ઉભા કરેલા પોતાના નિવાસ સ્થાનો, પોતાની ઘરવખરી સહિત મરણમુડી પાણીમાં તણાતા પોતાની સગી આંખે જોયા પણ તેમાંથી કશુ પણ બચાવી ન શકયા અને કુદરતની આ ક્રુરતા કોપ અને નિર્દયતાને માત્ર ભીની આંખે જોતા રહ્યા રૂદન આક્રંદ કરતા રહ્યા.

ધીમેધીમે પાણી ઓસરતા ગયા અને શહેરભરમા કાદવ-કાચડ, ગંદકી, ગંદકીમાં કાદવમાં ખુંચેલી માનવ લાશો, પશુઓના મૃતદેશો અને સમગ્ર શહેરમાંં અંધકાર પર દુઃખ, દુર્દ, બેબશી, લાચારી, છોડતા ગયા અને સાવ રોડ પર આવી ગયેલા માનવ માટે 'હવે શું થશે?' જેવા અનેક સવાલો છોડતા ગયા હજારો લોકોએએ રાત જયાં હતા ત્યાં ઉચા મકાનોમાં પોતાના ઘરના નળીયા પર ભુખ્યા-તરસ્યા ખાવા માટે અન્ન નહોતું તે પીવા માટે પાણી પણ નહી.

ગોઝારી જળ હોનારતના ધસમસતા પુરના પાણીએ એવો પ્રકોપ ફેલાવ્યો કે હજારો માનવને તો મોતના મુખમાં ધકેલી દીધા પરંતુ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ પણ મોતને ભેટયા અને આ દુનિયામાં જન્મીને જેમણે ગણ્યાગાંઠયા શ્વાસજ લીધા હતા તેવા નવજાત શુશીઓને પણ મોતના મુખમાં ધકેલી દેનાર કુદરતે જરા પણ વિચાર કર્યો નહતો.

બીજા દિવસે મોરબીમાં જયા જુઓ ત્યાં રૂદન આક્રંદ મરસીયા સીવાય બીજુ કશુૂ દેખાયું નહોતું કોઇ માતાએ પોતાના એકના એક કંધોતરને ખોયો હતો તો કોઇ બેનીએ પોતાના રાખડી બંધાવનાર વિરાને તો વળી કોઇ નવોડા પોતાના ભરથારને શોધવા ગાડી બની આમથી તેમ ભટકી રહી હતી શહેરભરમાં જય હોનારતે સર્જેલ તારાજીએ શહેરમાં લાશોના ઢગલા ખડકી દીધા હતા અને તેની ચીતા ખડકતા સ્મશાન પણ વામણા સાબિત થયા હતા અને આ સ્મશાનમાં ખડકેલી લાશો અને પેટ્રોલ છાંટી તેના સામુહીક કરવામાં આવતા અગ્નિ સંસ્કારના દ્રશ્યો એ ભલભલા કાળજા પથ્થરદિલના કાળજા વલોવી નાખે તેવા હતા.

મોરબી મચ્છુ જળહોનારત આવ્યું અને ગયું મચ્છુના ધસમસતા વ્હેણ ઓસરી ગયાને પણ આજે ૪ર વર્ષ પુરા થઇ ગયા છે.એ પાણી તો આવ્યાને ઓસરી ગયા સુકાઇ ગયા. પરંતુ જેમણે પોતાના સ્વજનો પરિવારજનો આ હોનારતમાં ખોયા તેની આંખોના પુર આજેય સુકાતા નથી અને જળ હોનારતની વરસીના દિવસે એ અષાઢ અને શ્રાવણ બની વહેવા માંડે છે.

કોઇ કહે મોરબી પર શ્રાપ હતો કોઇ કહે કુદરત રૂઠીતી જે હોય તે આ જળહોનારત માટે તૈયારી સમિતિ નિમવામાં આવી પણ તપાસમાં કોઇ તારણ ન નીકળ્યું મોતનોસાચો આંક પણ ન આવ્યો પરંતુ વિદેશી શંસોધક વિદ્યાર્થી ટોમવુટેન અને ભારતીય વિદ્યાર્થી ઉત્પલ આડેસરા બન્ને મિત્રોએ લખેલા પુસ્તક 'નોવન હેડ આ ટંગ ટુ સ્પીક' પુસ્તકમાં આ બંધ ટુટવા અને જળ હોનારતના કારણમાં બાંધકામ અને સંદેશા વ્યવહાર જવાબદાર ગણાવી દુધનુ દુધ અને પાણીનું પાણી કરી આપ્યું છે.મોરબી મચ્છુ જળહોનારતના તમામ દિવંગતોને ''અકિલા પરિવાર'' શ્રદ્ધાંજલી પાઠવે છે.

(1:39 pm IST)