Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મોરબી ઉમિયા સર્કલથી રવાપર રોડના કામમાં ડાયવર્ઝનમાં લોટ, પાણીને લાકડાના આક્ષેપો

દરરોજ ફસાતા વાહનોથી ટ્રાફિક જામ, યોગ્ય ઉકેલ ન આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૦ : મોરબીના હાર્દસમાં ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા પર કાયમની હૈયાહોળી સર્જાય છે. એનું કારણ એ છે કે એક તો આ રોડનું કામ ચાલે છે. ઉપરથી ડાયવર્ઝન કાઢેલું છે. તેમાં પણ લોટ પાણીને લાકડા જેવી કામગીરી થઈ છે. આથી આ રોડ ઉપર દરરોજ વાહનો ફસાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

રાજકોટથી મોરબી શહેરમાં એન્ટ્રી માટે મહત્વના ગણાતા ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા સુધીમાં રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે ડાયવર્ઝન કાઢેલું છે. ડાયવર્ઝનની સ્થિતિ ખરાબ હોવાથી ટ્રાફિકજામની કાયમ હાડમારી રહે છે. અનેક વાહનો ફસાઈ છે. ટ્રાફિકના રોજ રોજના ધાંધિયાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

આ બાબતે ઇન્ટરનેશનલ હુમન રાઈટના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું કે, ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા સુધી જે રોડનું કામ ચાલે છે. તેમાં જે ડાઈવર્ઝન કાઢ્યું છે. તેમાં લોટ પાણીને લાકડા જેવું કામ કર્યું છે. પરિણામે દરરોજ ગાડીઓ ફસાય છે અને ટ્રાફિકજામ થાય છે. તેથી લોકો હેરાન થાય છે. તેમજ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહિ આવે તો લોકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. 

(1:38 pm IST)