Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મોરબીમાં કાળચક્ર ફરી વળ્યું : પેપરમીલમાં લોડર હડફેટે ચડી જતા અને ત્રીજા માળેથી પડી જતા યુવાનના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૦: લીલાપર ચોકડી નજીક વરિયા નળિયા કારખાનાની ઓરડીમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે કાળુભાઈ લખમણભાઈ બાબરિયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે તેની દીકરો અજય ઉ.૧૯ તીર્થક પેપર મિલના કારખાનામાં વેસ્ટ પેપર નાખતો હતો ત્યારે આરોપી લોડર જીજે ૧૫ બીબી ૫૧૯૧ ના ચાલકે લોડર આગળ પાછળ જોયા વિના ગફલતભરી રીતે ચલાવી અજયને હડફેટે લેતા તેને માથામાં ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજયું હોવાની ફરિયાદ નોંધાવી છે.

રવાપર રોડ પર રિદ્ઘિ સિદ્ઘિ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ દાહોદના વતની અર્જુનભાઈ માવસિંગભાઈ પટેલ (ઉ.૨૪) ગત તા. ૧૦-૦૭ ના રોજ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જયાં ગત તા.૧૩-૦૭ ના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું.

પેટના દુઃખાવાથી કંટાળી એસિડ ગટગટાવી લેનાર યુવાનનું મોત

રોહિદાસપરામાં વિજયનગરમાં રહેતા વિનોદભાઇ ઉર્ફે અનીલ પ્રેમજીભાઇ પરમાર નામના યુવાનને છેલ્લા બે-ત્રણ માસથી પેટમાં તથા માથામાં દુઃખાવો થતો હોય જેની દવા લેવા છતાં પેટનો દુઃખાવો બંધ થયેલ ન હોય અને છેલ્લા પંદરેક દિવસથી પેટમાં વધારે દુઃખાવો થતો હોય કંટાળી જઇ ગત તા.૬ જુલાઈના રોજ એસીડ પી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયેલ, જયાં તેમનું મૃત્યુ નિપજતા પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાનેલી ગામના તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત

તાલુકાના પાનેલી ગામે તળાવમાં ડૂબી જવાથી રૂડાભાઇ અરજણભાઇ ટીડાણી (ઉ.વ.૫૦) નામના આધેડનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત નિપજવા અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

રાજપર ગામ નજીક કારે હડફેટે લેતા બાઇક ચાલકનું સારવારમાં મોત

રાજપર રોડ પર પુરપાટ ઝડપે આવતી એક અજાણી સ્વીફ્ટ કારના ચાલકે આનંદ પાર્ટી પ્લોટ સામે જીજે ૧૦ સીએ ૭૬૩૦ ને ગત તા.૧૨-૦૭ ના રોજ હડફેટે લેતા બાઈક ચાલક વિજયભાઈ રોડ પરથી ફંગોળાઈ જતા માથામાં ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું જે મામલે મૃતક વિજયભાઈના પિતા મગનભાઈ જાદવજીભાઈ પરસોંડાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

(1:36 pm IST)