Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઉપલેટા શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાવિકો

ઉપલેટા : ઉપલેટા શહેરમાં ધોરાજી રોડ પર આવેલ મોજ નદીના કાંઠે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવનુ પૌરાણિક મંદિર ગોંડલ સ્ટેટના પ્રજા વાત્સલ્ય રાજવીશ્રી સર ભગવતસિંહજી બાપુના પૂર્વજોએ આ મંદિરની સ્થાપના કરેલ હતી. આ પૌરાણિક સોમનાથ મંદિરે શિવજીના દર્શનાર્થે શ્રાવણ માસ દરમ્યાન હજારો ભાવિક ભકતો ઉમટી પડે છે. કહેવાય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપલેટામાં ૧૬ વખત પધાર્યા છે ત્યારે પણ આ મંદિરે પધાર્યા છે. અને મોજ નદીમાં સ્નાન કરેલુ છે. સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલ દેરીમાં તેમની ચરણપાદુકા પણ રાખેલી છે. ભાવિક ભકતો સોમવારે ધજા ચડાવવા માટે પણ આવતા હોય છે. આ મંદિરના પટાંગણમાં દર વર્ષે જન્માષ્ટમીનો સાતમ, આઠમ અને નોમ એમ ત્રીદિવસીય મેળાનુ જબરદસ્ત આયોજન કરવામાં આવતુ હતુ જેમાં ઉપલેટા, ધોરાજી, જામજોધપુર અને કુતિયાણા તાલુકાના લોકો મોટી સંખ્યામાં મેળો માણવા માટે આવતા હતા. પરંતુ હાલ આ કોરોનાની મહામારીને લઈને તમામ મેળાઓ રાજય સરકારે રદ કરેલા હતા તેને લઈને ઉપલેટા સોમનાથ મંદિરનો આ મેળો આ વર્ષે પણ બંધ રાખેલ છે. આ મંદિરમાં સેવા પૂજા કરતા મહંત તરીકે શ્રી નિલેશગીરી અપારનાથી તથા ગાદીપતિ તરીકે શ્રી વિવેકગીરી અપારનાથી અને શ્રાવણ માસમાં પૂજારી તરીકે સંજયપરી સેવા આપી રહ્યા છે. મંદિર સંચાલકો દ્વારા શ્રાવણ માસમાં ખાસ પ્રકારના શણગાર કરીને શિવ ભકતોને મહાદેવના વિવિધ દર્શનનો લાભ આપશે અને શિવભકતો દ્વારા મહાદેવના વિવિધ સ્વરૂપોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.આ સોમનાથ મહાદેવના મંદિરમાં દર્શન દરમ્યાન સરકારશ્રીના નિયમોનુ ચુસ્ત પાલન કરીને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ દર્શનનો લ્હાવો લીધો હતો. (તસ્વીર-અહેવાલ : ભરત દોશી-ઉપલેટા)

(12:04 pm IST)