Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સોમનાથ દાદાના મંદિર સુરક્ષાને કાયમી ધોરણે તાલીમબધ્ધ ડોબરમેન પોલિસ ડોગ ફાળવાયો

'બુસ્ટર ડોગ' પવિત્ર શ્રાવણ માસની ભીડ-સુરક્ષા તપાસણી સાથે સોમનાથ મંદિર સુરક્ષાના કાયમી પોલીસ ડોગ તરીકે કાર્યરત

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૦ :.. વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષાને હવે કાયમી ધોરણે ડોબરમેન ડોગ ફાળવાયો છે.

જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ. ડી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડોગ હેન્ડલર તરીકે પોરબંદરના મહેન્દ્રસિંહ પરમારની નિમણુંક કરવામાં આવેલ છે.

સમગ્ર જીલ્લામાં ફાળવાયેલ આ પ્રથમ ડોગ છે. જેને તાલીમબધ્ધ કરી પ્રથમ તેની ડયુટી પણ સોમનાથ મંદિર ખાતે પ્રથમથી ડોબરમેન જાતીનો 'બુસ્ટર' નામ ધરાવતો આ પ્રથમ ડોગ સોમનાથ સુરક્ષામાં અંકિત થશે.

અમદાવાદ એસ. આર. પી. ગ્રુપ-ર ખાતે ૧૦ મહિનાની સઘન ટ્રેનીંગ તેમને આપવામાં આવી છે. પોલીસ ડોગ સામાન્ય રીતે તેના જન્મના છ મહિના પછી ટ્રેનીંગ અપાતી હોય છે જે નવ માસની હોય છે. આ ડોગ મંદિરમાં પ્રવેશતા દર્શર્નાથી પોતાની સાથે કોઇ વિસ્ફોટક પદાર્થ તેની સુંધવાની શકિત સાથે ઓળખી કાઢી ટ્રેનરને આગળ તપાસ કરવા નિર્દેશ કરે છે.

'બુસ્ટર' ની ઉંમર ૧૬ મહિના છે એટલે કે યુવાન છે અને સોમનાથ ખાતે કાયમી ડોગમાં તેની પ્રથમ નિમણુંક છે.

અત્યાર સુધી દર મહિને ગુજરાતના ૩૩ જીલ્લાઓમાંથી રોટેશન પધ્ધતિથી એક - એક મહિનો જુદા જુદા જીલ્લાઓના ડોગ મંદિરે ફરજ બજાવવા આવતા રહ્યા છે.

ડોગ પોલીસની જેમ બેઝીક કવાયત પણ રોજીંદી કરે છે દરરોજ સવારે ૬ થી સોમનાથ મંદિરે અને સાંજે પાંચ વાગ્યે ડયુટી ઉપર જોઇન્ટ થાય છે.

સેલ્યુટ, આજ્ઞાંકિતતા, વડા અધિકારીઓ સાથે કેમ વર્તવું શોધખોળની વિવિધ તરકીબોની તાલીમ તેને પ્રાપ્ત કરી છે.

(12:02 pm IST)