Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ટ્રક હડતાલ ઈફેકટઃ અલંગમાં ત્રણ દિ' શિપબ્રેકિંગ પર બ્રેક

ભાવનગર, તા. ૧૦ :. અલંગ-સોસિયા શિપબ્રેકીંગ યાર્ડમાં ટ્રક હડતાલના કારણે માલનો ભરાવો થતા શિપ કટિંગ સહિતની પ્રવૃતિઓ પર બ્રેક લગાવાઈ દેવાય છે. પ્રાથમિક તબક્કે ત્રણ દિવસ આ પ્રવૃતિ બંધ રાખવા એસો.ને નક્કી કર્યુ છે પરંતુ સ્થિતિ નહિ સુધરે તો અસર લાંબી રહેવા સંભવ છે. દરમિયાન અલંગ ઈન્ડસ્ટ્રીઝને મોટું આર્થિક નુકશાન થવા ભીતિ વ્યકત કરાઈ છે.

અલંગમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી ટ્રક હડતાલને કારણે માલ પરિવહન ઠપ્પ થઈ ગયુ છે. ટ્રક ભાડા સાથે શિપબ્રેકિંગ વ્યવસાયને કાંઈ લાગતુ વળગતુ નથી છતાં વ્યવસાયને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યુ છે અને એસો. દ્વારા સરકારમાં મધ્યસ્થી કરવા રજૂઆત કરી છે અને આજે તા. ૯મીથી ત્રણ દિવસ માટે અલંગમાં ઉત્પાદન બંધ કરવાનું એલાન કરવામાં આવ્યુ છે.

ટ્રક હડતાલને કારણે ઉદ્ભવી રહેલી પરિસ્થિતિઓ અંગે શનિવારે શિપ રીસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન (ઈન્ડીયા) (શ્રીયા)ની જનરલ બોડીની મીટીંગ મળી હતી. તેમાં શિપબ્રેકિંગ પ્લોટમાં માલ સામાનનો ભરાવો થઈ ગયો હોવાથી કામદારોની સલામતીને ધ્યાનમાં રાખી અને તા. ૯, ૧૦ અને ૧૧ એમ ત્રણ દિવસ સુધી શિપબ્રેકિંગમાં ઉત્પાદન સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:01 pm IST)