Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિતે સુરેન્દ્રનગર સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે 'મેઘાણી સાહિત્ય' કોર્નરની સ્થાપના

રાજકોટ,તા. ૧૦ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી તથા આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્ત્।ે સુરેન્દ્રનગર સ્થિત સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ.આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ઝવેચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક કાર્ય કરાયું છે. ચોટીલા ખાતે જન્મેલા પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણીના સુરેન્દ્રનગર જિલ્લા સાથે અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આનું સવિશેષ મહત્વ છે.

પિનાકી મેઘાણી ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ) અને સુરેન્દ્રનગર જિલ્લા ગ્રંથપાલ લલિતભાઈ મોઢ, શિક્ષણ-જગતમાંથી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, સી. યુ. શાહ કોલેજના ડીરેકટર એચ. કે. દવે, સુરેન્દ્રનગર જિલ્લા એચટાટ આચાર્ય સંઘના પ્રમુખ કિરતારસિંહ પરમાર, આચાર્ય ઉગ્રસેનસિંહ ગોહિલ, ભરતસિંહ ડાભી, નિવૃત્ત્। આચાર્યા હર્ષદબા જાડેજા, કવિ-લેખક મનોજભાઈ પંડ્યા, માનભા મસાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યના પુસ્તક પ્રદર્શનને પણ સહુએ રસપૂર્વક નિહાળ્યું હતું. હાલમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ-હસ્તે લોકાર્પણ પામેલ કસુંબીનો રંગ વીડિયોને પણ સહુએ મોટા પડદે માણ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર (આઈએએસ), સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા (આઇપીએસ) તથા આ કાર્ય માટે લાગણીથી પ્રેરાઈને સહયોગ આપનાર ગુજરાત રાજયના ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં વિષયવાર અહિ મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા કાળચક્ર ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-કયારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે. પરિકલ્પના પિનાકી મેઘાણીની છે. કલાત્મક કાચનાં કબાટનું નિર્માણ-કાર્ય વાલજીભાઈ પિત્રોડા–વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું છે.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:58 am IST)