Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સ્વસ્થ બાળકો સાથે સ્વસ્થ અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શકિત છે: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦: સ્વસ્થ બાળકો સાથે સ્વસ્થ અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શકિત છે એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ ભુજમાં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું.

સહી પોષણ દેશ રોશન કેન્દ્રના પોષણ અભિયાન અને ગુજરાત પોષણ અભિયાન અન્વયે ભુજના ટાઉનહોલ મધ્યે જિલ્લાના અતિકુપોષિત ૧૪૦૦ બાળકોના સુપોષણ કીટ વિતરણ સમારોહમાં કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે,

સમાજ અને સરકાર સાથે મળી પોષણ અભિયાન સાર્થક કરીએ. રાષ્ટ્રની શકિત, તંદુરસ્ત બાળકોથી છે. રાષ્ટ્રનું સન્માન સુરક્ષિત મહિલાઓથી છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન મંગલમની શરૂઆત કરી મિશન મંગલમથી બહેનોને આર્થિક ઉત્થાન આપવા અપ્રતિમ પગલું નરેન્દ્રભાઇએ ભર્યુ છે.

દેશમાં ૧૭ લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપની ૭ કરોડ બહેનોને રૂ. પાંચ લાખ કરોડની રકમ અપાઈ છે. ઈ-મમતા દ્વારા મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરાઇ છે. ખિલખિલાટ જેવી આરોગ્યવાનનો લાભ સગર્ભા બહેનોને આપ્યો છે. રાષ્ટ્રનું ઉત્થાન મહિલાના નેતૃત્વ અને ઉત્થાનથી થાય છે.

દેશના પ્રધાન સેવક ૧૧ કરોડ પરિવારને શૌચાલય આપી ૧૧ કરોડ ગરીબ બહેનોને સન્માન આપ્યું છે. ૧ રૂ. માં સેનેટરી પેડ મહિલાને અપાયા છે. ગરીબના ઘરમાં ગંભીર બિમારીમાં આયુષ્યમાન ભારત હેઠળ દસ કરોડ પરિવારને વાર્ષિક રૂ. પાંચ લાખ વિનામૂલ્યે સારવાર મળી છે. જેમાં સાત કરોડ ગરીબ મહિલાઓએ બ્રેસ્ટ, ગર્ભાશય કેન્સરના નિદાન સર્જરી કરાવી છે. કેન્દ્ર સરકારે ૨ કરોડ ૧૭ લાખ ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. 

કુપોષણથી લડવા સરકાર જ નહીં સમાજે પણ સાથ આપ્યો છે. ૩૩ હજાર બાળકો ગુજરાતમાં સુપોષિત થાય એવો સંકલ્પ લીધો છે તેમનો નમમસ્તકે આભાર.

મંત્રીશ્રીએ ઉપસ્થિતોને વિનંતી કરતા જણાવ્યું કે, આપણા જ પ્રધાનમંત્રી રાતદિવસ એક કરી સેવા કરી રહયા છે. ત્યારે તેઓ સ્વસ્થ રહી સેવા કરે તેવી પ્રાર્થના કરશો. મંચ પરના આવેલા બાળકો, બહેનો સ્વસ્થ રહે એવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કુપોષિત બાળકોને સુપોષિત કરવાના કેન્દ્ર અને રાજય સરકારની આ ઝુંબેશમાં સૌ સહકાર આપીએ.

સમાજ સ્વસ્થ રહે તેની ચિંતા સરકાર કરે છે. તંદુરસ્ત સમાજ નિર્માણ માટે સરકારે વિવિધ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા સૌ મેળવી રહયા છે. ગરીબ અને મધ્યમ પરિવારોને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ૮ વર્ષના સુશાસનમાં મહિલાઓને ઉજ્જવલા યોજના, કિસાન સમ્માનનિધિ યોજના, યુવાઓને મુદ્રા યોજના પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, ઉજાલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આઠ વર્ષમાં દેશના કરોડો લોકોને અનેક લાભ મળતા થયા છે.

આ તકે તેમણે કચ્છ જિલ્લામાં મળતી વિવિધ યોજનાઓના લાભ અનેક લોકો મેળવી રહયા છે તે સાંસદશ્રીએ વિગતે જણાવ્યું હતું.

આઠ વર્ષની કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ લોકો સુધી પહોંચ તે માટે જનપ્રતિનિધિ અને અધિકારીઓ પ્રયત્નશીલ છે.

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની સમગ્ર દેશમાં બાળકો, મહિલાઓ સમક્ષ પ્રત્યક્ષ આવી સૌની સેવા કરવા ઉપસ્થિત થાય છે. તેમણે કુપોષિત બાળકોને પ્રત્યક્ષ યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું. 

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે4 મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત આપણે સામાજિક જવાબદારી નિભાવી કુપોષિત બાળકો દત્તક લઇએ. કુપોષણ દુર કરવા સરકારે સગર્ભા માતાને પોષણ આપવા  આંગણવાડીમાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માનસિક-બૌધ્ધિક વિકાસ કરવામાં સમગ્ર કર્મયોગી મહત્વપૂર્ણ કામ કરી રહયા છે.

પાલક માતા યશોદા માતા બની આંગણવાડીની બહેનો સરકારની સુપોષણ અભિયાનને સાર્થક કરવા અથાગ પ્રયત્ન કરી રહી છે. લોકભાગીદારીથી દાતાઓ4 પોષણ કીટ અને દાનથી બાળકોના પોષણમાં પોતાનું યોગદાન આપી રહયા છે. 

સંકલિત બાળ વિકાસ યોજના પ્રોગ્રામ ઓફિસરશ્રી ઈરાબેન ચૌહાણે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સુપોષિત સમાજ બનાવવાના ભાગરૂપે જિલ્લાની ૨૧૧૬ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. જેમાં ૧.૫ લાખ લાભાર્થી બાળકો ૧ થી ૬ વર્ષના છે. લોકસહકારની ઝુંબેશ સાથે આજે ૧૪૦૦ જેટલા બાળકોને પોષણ કીટ, ૩૨૬ ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાયના મંજુરી પત્રો અને ૩૩૪ જેટલી વ્હાલી દિકરી યોજનાના હુકમ વિતરણ કરી રહયા છીએ.

આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ પ્રતિકરૂપે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્રો પાંચ દિકરીઓને વ્હાલી દિકરી યોજનાના હુકમપત્રો અને દસ કુપોષિત બાળકોને પોષણ કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિશ્રી મનનભાઇ ઠકકરે કરી હતી.

આ કાર્યક્રમમાં અગ્રણી સર્વશ્રી એ.પી.એમ.સી. ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી કંકુબેન આહિર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, કારોબારી ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ ગઢવી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી કેશવજીભાઇ રોશિયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિલ્લાના અગ્રણી નગરજનો, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, મહિલા બાળ અધિકારીશ્રી અવનીબેન દવે તેમજ નિરવ બ્રહમ ભટૃ, વિવેક બારહટ તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ, આંગણવાડી કાર્યકર્તા બહેનો લાભાર્થીઓ અને નગરજનો આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

(9:14 pm IST)