Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

નવજીવનનું નિમિત્ત બની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના : ‘આયુષ્યમાન કાર્ડ ન હોત તો મારે ઘૂંટણનું ઓપરેશન કરાવવા માટે દાગીના અને મરણમૂડી સમાન એક વીઘો જમીન વેચવાનો વારો આવત :રંજનબહેન વાઘેલા

PMJAY યોજનાને કારણે મહિને 10 હજાર કમાઈને ગુજરાન ચલાવતા ભાવેશભાઈ ચાવડાની 2 મહિનાની બચત બચી ગઈ : ‘અનેક જગ્યાએ ચક્કર લગાવ્યા પછી આશાબહેન પાસેથી PMJAY યોજના વિશે માહિતી મેળવી બાયપાસ ઓપરેશન કરાવ્યું, અમારા જેવા હજારો વડીલોના આશિર્વાદ કાયમ નરેન્દ્રભાઈ સાથે છે : ગીતાબેન રાઠોડ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : બિમાર હવે નહીં રહે લાચાર, બિમારીનો થશે મફત ઉપચાર....આ સૂત્રને સાર્થક કરતા આયુષ્માન ભારત યોજના અંતર્ગત હજારો ગુજરાતીઓ ગંભીર બિમારીઓમાંથી મુક્ત થઈને ખુશહાલ જીવન જીવી રહ્યા છે. જેમાંથી એક છે સાણંદના રંજનબેન વાઘેલા. રંજનબેનને ઢીંચણનું ઓપરેશન કરાવવાનું તબીબોએ સુચવતા જ તેમના માથે તો જાણે ઘાત આવી પડી હતી. કારણ કે ઓપરેશન કરાવવા માટે દાગીના વેચવા પડે અથવા તો વારસાઈમાં મળેલો જમીનનો ટુકડો વેચવાની નોબત આવે. પરંતુ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમના માટે વરદાન સાબિત થઈ. જે ઓપરેશન કરાવવાનો ખર્ચ સામાન્ય રીતે 1થી 3 લાખ રૂપિયા જેટલો થાય તે જ ઓપરેશન આયુષમાન કાર્ડની મદદથી  SGVP જેવી અત્યાધુનિક હોસ્પિટલમાં નિઃશુલ્ક થઈ ગયુ.
   આવા જ અન્ય એક મધ્યમ વર્ગના પરિવાર માટે આયુષ્યમાન યોજના આયુષ્યના આશિર્વાદ બની રહી. ભાવેશભાઈ ચાવડાનો પરિવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે. માત્ર ભાવેશભાઈના જ માસિક 10 હજારના પગાર પર આખોય પરિવાર નિર્ભર છે. ભાવેશભાઈ છેલ્લા ઘણા સમયથી પથરીના દુખાવાથી પીડાતા હતા. કોઈપણ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવવા માટે 30થી 45 હજારનો ખર્ચ થવાનો હતો. આ રકમ તેમની 5 વર્ષની બચત બરાબર હતી. તેવામાં તેમના વિસ્તારના આશા બહેન દ્વારા તેમને PMJAY યોજનાની માહિતી પ્રાપ્ત થઈ. એક પણ પૈસાના ખર્ચ વગર તેમનું ઓપરેશન પણ થઈ ગયું અને મહામૂલી બચત પણ બચી ગઈ. ભાવેશભાઈ અને તેમનો સમગ્ર પરિવાર જનકલ્યાણની યોજના ઉપલબ્ધ કરાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેષભાઈ પટેલનો આભાર માનતા થાકતો નથી.
  બાયપાસ ઓપરેશન...નામ સાંભળીને જ ગીતાબેન રાઠોડ ધ્રુજી ગયા હતા. કારણ કે જો સમયે ઓપરેશન ન થાય તો જિંદગી ગુમાવવી પડે અને ઓપરેશન કરવાના ખર્ચ માટે જીવનભર મહેનત કરીને એકઠી કરેલી જમા પૂંજી ગુમાવવી પડે. અનેક ડોક્ટર્સને મળ્યા, હોસ્પિટલના ચક્કર કાપ્યા પછી છેવટે ચાંદલોડિયાના આશા બહેને તેમને આયુષ્યમાન યોજના વિશે સમજ આપી. ગીતાબેન રાઠોડે આયુષ્માન કાર્ડ કઢાવી લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન વિનામૂલ્યે કરાવ્યું. આજે તેઓ એકદમ તંદુરસ્ત છે. ગીતાબેન અન્ય જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે અપીલ કરી રહ્યા છે.

(8:26 pm IST)