Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કચ્છના આડેસરમાં નીલગાયનો શિકાર કરનારા બે શિકારી ઝડપાયાં: દોરડાના ગાળિયામાં ફસાવી ક્રૂરતાપૂર્વક શિકાર

આ વિસ્તારમાં બંદૂકના ભડાકે નીલગાયનો શિકાર થતો હોવાના કિસ્સા અગાઉ નોંધાયા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦

આરોપી અશર્રફ સુલેમાન ઘાંચી (ઉ.વ. ૨૮ રહે. સાયતાવાસ, આડેસર) અને હાજી અલીમામદ હિંગોરજા (ઉ.વ. ૫૦, રહે. વિજાપર, રા૫૨)એ ડુંગરના બે કોતર વચ્ચે દોરડાંનો ગાળિયો બનાવ્યો હતો. ત્યારબાદ વગડામાં રખડતી નીલગાયને કોતર તરફ દોડાવી હતી.

દોરડાના ગાળિયામાં નીલગાય ફસાઈ ગયાં બાદ બેઉ જણે ધારિયા વડે તેનો શિકાર કર્યો હતો. શિકાર અંગેની જાણ થતાં વન વિભાગની વિવિધ ટૂકડીઓએ શિકારીઓને દબોચી લેવા તપાસ શરૂ કરી હતી. બેઉ જણ બે ધારિયા, દોરડાં અને તપેલામાં નીલગાયના પાંચ કિલો માંસ સાથે ઝડપાઈ ગયાં હતા. બંને વિરુધ્ધ વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનો કમ્પાઉન્ડેબલ (માંડવાળપાત્ર) હોઈ બેઉ પાસેથી ૨૦ હજાર રૂપિયાની એડવાન્સમાં રીકવરી કરાઈ છે.

પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક જી.ડી. સરવૈયાએ જણાવ્યું કે સામાન્યતઃ આ વિસ્તારમાં બંદૂકના ભડાકે નીલગાયનો શિકાર થતો હોવાના કિસ્સા અગાઉ ધ્યાને આવેલાં છે. પરંતુ, આ પ્રકારે દોરડા વડે ગાળિયો બનાવી ક્રૂરતાપૂર્વક વન્યજીવને ફસાવી શિકાર કરવાનો બનાવ પહેલીવાર પ્રકાશમાં આવ્યો છે.

(10:08 am IST)