Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

નામચીન ઇકબાલ કથીરીએ પોતાની જ કાર પર ફાયરીંગ કરાવ્યુ'તુઃ તેની પાસેથી પણ બે પિસ્તોલ- કાર્ટીસ મળ્યા

જસદણમાં ફાયરીંગ કરનાર મોહસીન અને મહમદ અકીલને એલસીબીએ ઝડપી લીધા બાદ બંનેની ચોંકાવનારી કેફીયતઃ એલસીબીએ ત્રણેય શખ્સોની ધરપકડ કરી ઇકબાલ કથીરીએ કયા કારણોસર આવુ તરકટ રચ્યુ તે અંગે પુછતાછ

પ્રથમ તસ્વીરમાં ઇકબાલ કથીરીની કાર પર ફાયરીંગ કરનાર બંને શખ્સો અને પકડાયેલ પિસ્તોલ અને ઉપરની તસ્વીરમાં  એલસીબીનો સ્ટાફ નજરે પડે છે. બીજી તસ્વીરમાં નામચીન ઇકબાલ કથીરી અને તેની પાસેથી બે પિસ્તોલ દેખાય છે.(૩-૧૭)

રાજકોટ તા.૧૭ : જસદણમાં નામચીન ઇકબાલ કથીરીની કાર ઉપર ફાયરીંગ કરનાર બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા બાદ તેની પુછતાછમાં ઇકબાલ કથીરીએ જ પોતાની કાર ઉપર ફાયરીંગ કરાવ્યાનુ ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રૂરલ એલસીબીએ તુર્ત જ ઇકબાલ કથીરીને ત્યાં છાપો મારતા તેની પાસેથી પણ બે પિસ્તોલ અને કાર્ટીસ મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના નામચીન ઇકબાલ કથીરીની કાર પર ગત તા.૪ના રોજ ફાયરીંગ થયુ હતુ. આ ફાયરીંગ તેના જ સાગ્રીતો મોહસીન ઉર્ફે મોસલો સિકંદર શાહમદાર રહે.મુળ વાંકાનેર, હાલ જંગલેશ્વર રાજકોટ તથા મહમદ અકીલ રફીક ચૌહાણ રહે.જસદણે કર્યાનું ખુલતા બંને સામે હત્યાની કોશિષ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન આ બંને શખ્સોને ઝડપી લેવાની રૂરલ એસપી અંતરીપ સુદની સુચના અન્વયે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા સ્ટાફે વોચ ગોઠવી ફાયરીંગ કરનાર મોહસીન અને મહમદ અકીલને દેશી બનાવટની પિસ્તોલ તથા પાંચ જીવતા કાર્ટીસ અને એક ફુટેલ કાર્ટીસ તથા ગુનામાં વપરાયેલ બાઇક સાથે ઝડપી લીધા હતા

બંનેએ પોલીસ પુછપરછમાં એવી કેફીયત આપી હતી કે ફરિયાદી ઇકબાલ કથીરીના કહેવાથી જ અને તેની સાથે પુર્વયોજીત કાવતરૂ રચી કાર ઉપર ફાયરીંગ કરી ખુની હુમલો કર્યો હતો. આ કેફીયતના આધારે રૂરલ એલસીબીની ટીમે તુર્ત જ જસદણનાં ઇકબાલ સાલેભાઇ કથીરીને દેશી બનાવટની બે પિસ્તોલ તથા જીવતા કાર્ટીસ નંગ-૧ર અને એક મોબાઇલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ પણ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મોહસીન અને મહમદ અકીલને પોતાની કાર પર ફાયરીંગ કરવાનુ પુર્વયોજીત કાવતરૂ રચનાર ઇકબાલ કથીરી પણ પોતાની પાસે રહેલ હથીયારો સગેવગે કરવા જસદણથી બહાર નીકળતો હતો ત્યારે પોલીસે તેને પણ દબોચી લીધો હતો. અગાઉ ગોંડલના નગરપતિ ગોવિંદભાઇ દેસાઇની હત્યાની કોશિષમાં પકડાયેલ અને જુગારની કલબો ચલાવનાર ઇકબાલ કથીરીએ પોતાની કાર પર ફાયરીંગ અને ખુની હુમલો કરાવ્યાનુ તરકટ કયાં કારણોસર ઉભુ કર્યુ ? તે અંગે તેની પુછતાછ હાથ ધરાઇ છે. રૂરલ એલસીબીએ પકડાયેલ ઉકત ત્રણેયને રિમાનડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના હેડ કોન્સ. કરશનભાઇ કલોતરા, મહમદ રફીક ચૌહાણ, બ્રિજરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, અમુભાઇ વિરડા, પો.કોન્સ. બાલકૃષ્ણ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ભાવેશ મકવાણા, વિનયકુમાર રાજપુત, નરેન્દ્રભાઇ તથા રાયધનભાઇ ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો. (૩-૧૭)

(4:06 pm IST)