Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જામનગર હાઇ-વે ઉપર પોલીસની ઓળખ આપતીે વાહન ચાલકોને લૂંટતી ગેંગના ૩ ઝડપાયા

જામનગર તા. ૧૦ : પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળના સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના વશરામભાઇ આહિર તથા નિર્મળસિંહ બી.જાડેજાને ખાનગી બાતમી હકિકત મળેલ કે જામનગર ખંભાળીયા હાઇવે રોડ ઉપર લાખાબાવાળ પાટીયા પાસે હાઇવે રોડ ઉપર બોલેરો કાર નંબર જી.જે.૧૦ બીઆર ૯૮રર માં ત્રણ ઇસમો ઉભા છે જે બોલેરો ગાડીમાં પોલીસનૂં બોર્ડ લગાવી રોડ ઉપર પસાર થતા ટ્રક ચાલકોને રોકી પોલીસ તરીકે ઓળખ આપી પૈસા ઉઘરાવે છે.તેવી હકીકત મળતા જે હકિકત આધારે રેઇડ કરી લાખાબાવળ પાટીયા પાસેથી કાર સાથે ત્રણ ઇસમોને પકડી પાડેલ જેઓની પ્રાથમીક પુછપરછ દરમ્યાન તેઓ ત્રણેય ઇસમો છેલ્લા એકાદ મહિનાથી રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને રોકી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી નાણા પડવતા હોવાનું ખુલવા પામેલ છે. જે ત્રણેય ઇસમો વિરૂધ્ધ એલસીબી ના ગજેન્દ્રસિંહ ભગવતસિંહ જાડેજાની ફરીયાદ આધારે એએસઆઇ વશરામભાઇ આહીર એ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. જે પકડાયેલ ત્રણેય ઇસમો પાસેથી મુદામાલ મળી આવતા કબ્જે કરેલ છે.

વિજયસિંહ લાલુભા વાળા રહે. મયુરનગર વામ્બે આવાસ કોલોની, જામનગર વાળા પાસેથી બોલેરો કાર નં. જીજે-૧૦ બીઆર-૯૮રર કિ. રૂ. ૩,૦૦,૦૦૦ ના પોલીસ લખેલ પ્લેટ તથા વાહન ચાલકો પાસેથી ઉઘરાવેલ રોકડ તથા કબ્જામાંથી એક છરી મળી રૂ. પ૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

પ્રકાશ બાલુભાઇ બારોટ રહે. મયુરનગર આવાસ કોલોની જામનગર વાળાએ વાહન ચાલકો પાસેથી ઉઘરાવેલ રોકડ રૂ. ૪૦૦ તથા કબ્જામાંથી એક છરી કબ્જે કરેલ છે.

વિપુલ જયેન્દ્રભાઇ ગોસાઇ બાવાજી રહે. નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટી જામનગર વાળા એ વાહન ચાલકો પાસેથી ઉઘરાવેલ રોકડ રૂ. ર૦૦/- તથા કબ્જામાંથી લાકડાનો ધોકો કબ્જે કરેલ છે.

વિજયસિંહ વાળા અગાઉ મારા મારી, દારૂ પીવાના કેસોમાં તથા આરોપી પ્રકાશ બારોટ લૂંટ તથા મારા મારી દારૂના કેસોમાં તથા વિપુલ બાવાજી ઇંગ્લીશ દારૂના કેસોમાં પકડાયેલ હતા, મજકુર આરોપીઓ છેલ્લા સમયથી પોલીસ તરીકેની ઓળખ આપી રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો પાસેથી નાણા પડાવતા હતા તે દિશા એલ.સી.બી. પોલીસ ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહેલ છે.

વિજયસિંહ વાળા તથા પ્રકાશ બારોટ તથા અન્ય આરોપી મળી આશરે સવા મહિના પહેલા જુના રેલ્વે સ્ટેશન ખાતે ઇં૯ા કલીની રેકડી એ જમવા આવેલ માણસોને માર મારી ગંભીર ઇજા કરેલ જે ગુનામાં મજકુર ફરાર હોવાનું ખુલવા પામેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. આર.એ. ડોડીયાના માર્ગદર્શનમુજબ પો.સ.ઇ. શ્રી વી.વી. વાગડીયા તથા પો.સ.ઇ. શ્રી વી.એમ. લગારીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વશરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાંધલ, મિતેશ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, દિનેશભાઇ ગોહીલ, કમલેશભાઇ રબારી, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. (૬.૧૯)

(3:59 pm IST)