Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાલથી મહાશિવરાત્રી ઉત્સવનો પ્રારંભ

જયેશભાઇ રાદડિયાના હસ્તે ઉદ્દઘાટનઃ ભકિત સંગીત, લોકનૃત્ય, શિવવંદના સહિતના કાર્યક્રમો

વેરાવળ-પ્રભાસ પાટણ તા.૧૦ : શિવરાત્રી પર્વ નિમિતે પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.૧૧ થી ૧૩ ફેબ્રુ. સુધી ત્રિદિવસીય સોમનાથ ઉત્સવ ર૦૧૮નું આયોજન કરાયુ છે. નાગરિક પુરવઠા અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા હસ્તે તા.૧૧ ફેબ્રુ.ના રોજ સાંજે ૭ કલાકે સોમનાથ મંદિર પરિસરની બાજુમાં આવેલ ચોપાટી ખાતે આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આયોજીત સોમનાથ ઉત્સવમાં રાસ-નૃત્ય, ભકિત સંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

તા.૧૧ ફેબ્રુઆરીના રોજ લોકનૃત્ય, શિવમ કલા કેન્દ્ર વડોદરા, તલવાર રાસ, મહેશ રાસ મંડળ, પોરબંદર અને સીદી ધમાલ નૃત્ય, રતનપુર સહિત રાજયભરમાંથી ૧પ જેટલી ટીમો રાસ-ગરબા અને નૃત્ય રજુ કરશે. તા.૧ર ફેબ્રુ.ના રોજ તાલુકા કક્ષાની શ્રેષ્ઠ રાસ-ગરબાની ૬ ટીમોની રાસ-ગરબા સ્પર્ધા, આર્ટીસ્ટીક યોગાસન કૃતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ અને જીતુભાઇ ગઢવી, લોકડાયરા કલાકાર જુનાગઢ તેમજ તા.૧૩ ફેબ્રુઆરીના રોજ વિપુલ ત્રિવેદી અને સલીલ મહેતા દ્વારા ભકિત સંગીત તેમજ કિસ્તીબેન સહાય દ્વારા શિવ વંદના સહિતના કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

સોમનાથ ઉત્સવ-ર૦૧૮ના ત્રિદિવસીય કાર્યક્રમો માણવા સાંજના ૬ કલાકે સોમનાથ ચોપાટી ખાતે લોકોને અનુરોધ કરાયો છે. જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો અને પૌરાણિક રાસ-ગરબાના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોષી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. મહોત્સવના સુચારૂ આયોજન માટે આજે સાગર દર્શન ખાતે બેઠક પણ યોજવામાં આવી હતી.

(11:36 am IST)