Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મંગળવારે મહાશિવરાત્રી : સૌરાષ્ટ્ર - કચ્છમાં શિવાલયોમાં વિશેષ કાર્યક્રમો

શોભાયાત્રા, અભિષેક, પૂજન, અર્ચન, ધૂન, ભજન, કિર્તન સહિતના આયોજનો

રાજકોટ, તા. ૧૦: તા. ૧૩ને મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી નિમિતે શિવાલયોમાં વિશેષ પૂજન, અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

મહાશિવરાત્રીના દિવસે વ્હેલી સવારથી શિવમંદિરો ખુલ્લી જશે અને મોડી રાત્રી સુધી પૂજન, અર્ચન, અભિષેક, ધૂન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

મહાશિવરાત્રી નિમિતે વેરાવળમાં પ્રથમ જયોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવ, જસદણ નજીકના શ્રી ઘેલા સોમનાથ મહાદેવ, વાંકાનેર પાસે શ્રી જડેશ્વર મહાદેવ સહિત અનેક જગ્યાએ ભાવિકોની ભીડ જામશે.

મહાશિવરાત્રી પર્વ નિમિતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

વિસાવદર

વિસાવદર : શહેરમાં પ્રથમવાર શિવરાત્રી નિમિતે શિવજી નગરયાત્રા નીકળશે. તે અંગે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવ ભકતોની બેઠક મળી હતી. વિસાવદર શહેરની તમામ સંસ્થાઓ, સર્વે ધૂન મંડળ, ગરબી મંડળો, શિવભકતો અને ભાવિકો આ શિવરાત્રી નિમિતે પ્રથમવાર વિસાવદર શહેરમાં તા.૧૩ના રોજ સવારે ૯ કલાકે કાશી વિશ્વનાથ મહાદેવથી શરૂ થશે અને ડાયમંડ ચોક, રામજી મંદિર, સરદાર પટેલ ચોક, મેઈન બજાર, કાનાબાર ટ્રાન્સપોર્ટ ગલી, હવેલી ગલી થઈને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ૧૧:૪૫ એ પરત આવશે.

બપોરે ૧૨ કલાકે આરતી સાંજે દિપમાળા તેમજ રાત્રે ૯ થી ૧૨ સુધી ધૂન અને રાત્રે ૧૨ કલાકે દિપમાળા મહાઆરતી રાખેલ છે. તેમજ શિવજીનગર યાત્રામાં જુદી જુદી સંસ્થાઓ યુવક મંડળો વિવિધ ફલોટ સાથે જોડાશે તો આ શિવજીનગર દર્શન યાત્રાનો લાભ લેવા મહંત હિરાપુરી હનુમાનપુરી ગોસ્વામીએ જણાવ્યુ છે.

વિરપુર (જલારામ)

વિરપુર : સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આરાધ્યદેવ શ્રી રામનાથ મહાદેવ દાદા તેમજ ગુરૂ શ્રી નૂરસતાગોર દાદાની ભવ્ય શોભાયાત્રા મહાશિવરાત્રીના પાવન દિવસે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન ગુજરાત દ્વારા યોજવામાં આવશે.

વીરપુર જલારામધામમાંથી સવારે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રા વીરપુરથી બીલખા રામનાથ મહાદેવ સુધીની યોજાશે. આ શોભાયાત્રાને વીરપુરથી બીલખા સુધીમાં વચ્ચે આવતા તમામ ગામોમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના દિકરીબાઓ સામૈયા કરી સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રામાં શ્રી રામનાથ મહાદેવ દાદાના મંદિરે તેમજ ગુરૂશ્રી નૂરસતાગોર દાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે.

આ રામનાથ દાદાની શોભાયાત્રામાં સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ, વડીલો, બહેનો, બાળકો તેમજ ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠનના યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. સફળ બનાવવા ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠનના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

વાંકાનેર

વાંકાનેર : ૧ર કિ.મી. દૂર આવેલ સજનપરમાં આવેલ શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વે તા. ૧૩મીના રોજ બપોરના ૧ર કલાકે દાદાની મહાઆરતી થશે ત્યારબાદ સૌ ભાવિક-ભકતજનો માટે બપોરના ફરાળી મહાપ્રસાદ રાખેલ છે તેમજ રાત્રે ચારેય પોળની નાના જડેશ્વર મહાદેવ દાદાની મહાઆરતી ઢોલ-નગારા અને શંખો દ્વારાથી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થશે. શિવરાત્રીના પર્વે બપોરના મહાપ્રસાદનો તેમજ દર્શનનો લાભ લેવા નાના જડેશ્વર મંદિર-સજનપરની યાદીમાં જણાવાયું છે.

ટંકારા

ટંકારા : શિવરાત્રીની ઉજવણી માટે શિવભકતોમાં ભારે થનગનાટ જોવા મળે છે. શિવમંદિરોની સફાઇ, રંગરોગાન, સુશોભન તથા રોશનીથી શણગારવામાં આવેલ છે.

ટંકારાના પ્રખ્યાત શ્રી કુબેરનાથ મહાદેવ મંદિરે મહંતશ્રી છબીબેન હીરાગર ગોસ્વામી દ્વારા વંશ પરંપરાગત પુજા-સેવા થાય છે. શ્રી કુબેરનાથ મંદિર પ્રાચીન મંદિર છે. અહીંયા જ મહર્ષિ દયાનંદ સરસ્વતીએ બાળ મૂળશંકર હતા ત્યારે શિવપૂજા-જાગરણ કરેલ.

ટંકારાનું શ્રી નિલકંઠ મહાદેવ મંદિર પ્રખ્યાત છે. ગોસ્વામી નારાયણગીરી કલ્યાણગીરી તથા પરિવાર, પેઢી દર પેેઢીથી ભગવાન શિવજી આરાધના કરે છે.

શિવમંદિરોમાં રાત્રીના જાગરણ થશે. ચારેય પ્રહરની પૂજા થશે ,આરતી થશે, તથા ઓમ નમો શિવાયની ધુન યોજાશે.  બ્રાહ્મણો સાધુ-સંતો, શિવભકતો મોટી સંખ્યામાં રાત્રીના શિવપૂજામાં ભાગ લેશે. શિવરાત્રીની ઉજવણી ભાવભકિત તથા આસ્થા પૂર્વક કરાશે.

શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે આવેલ અમરનાથ મહાદેવ મંદિરે પુરોહિત મિલનભાઇ દ્વારા પૂજા-અર્ચના થાય છે. આ મંદિર કષ્ટભંજન હનુમાનજીના મંદિર પાસે ત્યાં અન્નક્ષેત્ર પણ ચાલે છે. અહીંયા પણ રાત્રી જાગરણ તથા ચાર પરહરની પુજા થશે.

(12:00 pm IST)