Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

અગાઉ પાંચ વખત અને આ વખતે અકલ્‍પનીય ૬૨૦૦૦ મતે જીતનાર અને પોતાની સાથે બીજા ૪ ને પણ જીતાડનાર અમૃતીયા મંત્રી બનશે !

મંત્રીપદ મળશે જ કાર્યકરોને વિશ્વાસ : લાખાભાઈ જારીયા ફરી એક વખત સફળ સારથી સાબિત થયા

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૯ :  મોરબી માળીયા વિધાનસભાની સીટ પર કાંતિલાલ અમળતિયાનો પણ અભૂતપૂર્વ વિજય થયો છે. અભૂતપૂર્વ એટલા માટે કે અગાઉ પણ તેઓ આ સીટ પરથી પાંચ વખત વિજેતા થયા છે. પણ તેમની વધુમાં વધુ લીડ ૨૮૦૦૦ ની રહી હતી. અને આ વખતે એન્‍ટીઇન્‍કંબંસી, ઝૂલતાપુલની ગોઝારી દુર્ઘટના, સ્‍થાનીક સમસ્‍યાઓને લઇ લોકોની નારાજગી જેવા મુદ્દાઓ હોવા છતાં તેઓ અકલ્‍પનીય ૬૨૦૦૦ ની લીડથી વિજયી થયા છે. તદુપરાંત મોરબી જિલ્લાની વાંકાનેર, ટંકારા પડધરી, મોરબી જિલ્લાને સંલગ્ન ધાંગધ્રા,આમરણ સહિત કુલ પાંચ સીટ જીતાડવાની પણ તેમના પર જવાબદારી હોવાનું જણાવી તેઓ તે સીટો પર પણ કાર્યરત્‌ હતા. અને મોરબી સહિત ઉપરોક્‍ત પાંચે પાંચ સીટ પર ભગવો લહેરાવવામાં, કમળ ખીલવવામાં તેઓ સફળ પણ રહ્યા.

 અગાઉ પાંચ પાંચ વખત વિજેતા થનાર અને પાટીદાર અનામત આંદોલન સમયે મામુલી મતોથી રહી જનાર, ચૂંટણી હાર્યા છતાં પણ લોકોની વચ્‍ચે રહેનાર કાંતિભાઇ અમળતિયા આ વખતે ૅમંત્રીૅ ચોક્કસ બનશે તેવી આશા જાગવા સાથે તેમનાં ટેકેદારો, કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. અને ચર્ચાઓ કરતા કાર્યકરો, ટેકેદારો એ પણ જણાવી રહ્યા છે કે, મોરબીને પ્રથમ વખત ચૂંટણી જીતનાર બ્રીજેશભાઈ મેરજાને મંત્રી પદ મળ્‍યુ તું, તો કાંતિભાઇ તો લડાયક નેતા છે અને આ છઠી વખત ચૂંટણી જીત્‍યા છે. માટે તેમને ચોક્કસ મંત્રીપદ મળશે તેવી -બળ આશા સેવી રહ્યા છે અને મોરબીના ફાળે મંત્રીપદ તો હતુજ તેવું જણાવી રહ્યા છે.

કાંતિભાઇને મંત્રીપદ મળશે?

મોરબી નગર પાલિકાની ગત ચૂંટણીમાં ચૂંટણી પહેલાં પાલિકાના તમામ ૫૨ એ ૫૨ સભ્‍યો જીતશે તેવો પડકાર કરનાર અને તે પડકારને સાકાર કરી બતાવનાર અને ૫૨ એ ૫૨ સભ્‍યો પાલિકાને આપનાર રાજકીય ગણિતના માહિર એવા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયાએ પહેલી ચૂંટણી સભામાં જ ચેલેન્‍જ ફેંકી હતી  કાંતિભાઇ ઓછામાં ઓછી  ૫૧૦૦૦ મતની લીડથી જીતશે,તેમાં એક પણ મત ઓછો નહી હોય''

ત્‍યારબાદ કાંતિભાઇના મધ્‍યસ્‍થ કાર્યાલયના ખુલ્લુ મુકવા સમયે જાહેરમાં કહ્યું હતું કે, આટલી વિશાળ મેદની જોઈ મને લાગેછે, લીડ ૫૧૦૦૦ નહી પણ ૬૧૦૦૦ પણ વટાવી જાય તો નવાઈ નહી.

અને તેવુંજ બન્‍યું અને કાંતિભાઈ ૬૨૦૦૦ મતોથી જીત્‍યા અને અગાઉની કાંતિભાઇની ચૂંટણીઓમાં સારથી તરીકે સફળ રહેલ પ્રમુખ લાખાભાઈ પોતાના અનુમાનમાં તો ખરા ઉતર્યા પણ એક સારથી તરીકે પણ સફળ રહ્યા.

આ જીત મતદારો અને કાર્યકર્તા ઓની

મોરબી- માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમળતિયાનો ૬૨ હજારની જંગી લીડથી વિજય થયો છે. પરિણામ બાદ તેઓએ વિજયસભાને સંબોધી હતી. આ વેળાએ તેઓએ જણાવ્‍યું હતું કે અમે કોઈ ધામધૂમથી ઉજવણી કરવાના નથી. સાદાઈથી જ મચ્‍છુ માતાના મંદિરે હવન કરીને આ જીતની ઉજવણી કરવાના છીએ. તેઓએ ઉમેર્યું કે આ જીત મારી નથી. આ જીતતો કાર્યકર્તાઓ અને મતદારોની છે. મારે તો કામ જ કરવાનું છે. અમને તો વિચાર પણ ન હતો કે ૬૨ હજારની લીડથી જીતીશુ. અમારા લાખાભાઈ ૫૧ હજારની લીડ કહેતા હતા તે પણ ખોટા પડ્‍યા છે. મતદારોનો જુવાળ અભૂતપૂર્વ હતો. આનું વળતર ચૂકવવા હું ૨૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરીશ. તેની ખાતરી આપું છું.

કાંતિલાલે વધુમાં કહ્યું કે બધી જ્ઞાતિએ દૂધમાં સાકળની જેમ ભળીને આવી જંગી લીડ આપી છે. હવે હું ગામોના રસ્‍તા, પાણીની વ્‍યવસ્‍થા, ગાર્ડન બનાવવા, રિંગ રોડ બનાવવા સહિતના વિકાસ કામોને વેગ આપીશ. વધુમાં તેઓએ ઉમેર્યું કે વાંકાનેરમાં જીતુભાઇ મર્દ માણસ, ટંકારામાં દુલાભાઈ રેડી માણસ, હળવદમાં પ્રકાશ તો તોડી નાખે એવો અને જોડિયામાં મેઘજીભાઈ, હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે એમાંય હું ડ્રાઇવર છું એટલે હવે કઈ ઘટવા નહિ દઉં.

અંતમાં તેઓએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, ગળહમંત્રી અમિત શાહ, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડા , મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલનો આભાર માન્‍યો હતો. સાથે રમૂજ પૂર્વક જણાવ્‍યું હતું કે હરીફ ઉમેદવાર જયંતીભાઈ પટેલ મારા બનેવી થાય. તેઓ ઘણી વખત મારી સામે હાર્યા છે પણ આ વખતે તો મને દયા આવી ગઈ હતી. અને હવે દૂધમાં સાકર ભળે તેમ ભળી પણ જશે.

અમારી ઓફિસમાં ૩૦ વર્ષમાં એક રૂપિયાનો વહીવટ નથી થયો

કાંતિલાલે કહ્યું કે અમારી ઓફિસમાં છેલ્લા ૩૦ વર્ષમાં એક રૂપિયાનો વહીવટ નથી થયો જેનો મને મારા માણસો ઉપર ગર્વ છે. બાકી કાર્યકર્તાઓ ૨૦ ટકા કે ૩૦ ટકાવાળા કામો કરતા હોય છે. પણ હવે હું કહું છું આવા કામોનો સંકેલો કરી લેજો. હરામના પૈસા લેવા સારા નથી. અહીં જ ચૂકવા પડે છે.આપણને રખોપુ કરવા પ્રજા મત આપે છે.

ઉદ્યોગકારો, ડોકટરો, વકીલો સહિતનાએ આખું વાતાવરણ બનાવ્‍યું

કાંતિલાલ અમળતિયાએ કહ્યું કે તેઓએ બુદ્ધિજીવીઓનું સંમેલન યોજયું હતું. જેમાં ૨૦૦૦ જેટલા ઉદ્યોગકારો, ડોકટરો, વકીલો, સીએ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. આ તમામે આખા જિલ્લાનું વાતાવરણ બનાવ્‍યું અને જિલ્લાની તમામ સીટ ભાજપને મળી. હું આ તમામને અભિનંદન પાઠવું છું.

રોડની ડિઝાઇન હવે ફેરવવી પડશે

કાંતિલાલ અમળતિયાએ કહ્યું કે હવે રોડની ડિઝાઇન ફેરવવી પડશે. આખા રાજ્‍યમાં રોડ બનાવવા માટેના જે ક્રાઇટ એરિયા છે તે મોરબીમાં લાગુ ન પડે. કારણકે અહીં તો ૧૦૦ ટનના વાહનો આવે છે. પછી રોડ ગમે તેટલી વાર બનાવીએ તૂટી જ જાય ને.

અહીંના ઉદ્યોગોને સરકાર તરફથી તમામ સ્‍પોર્ટ મળશે

કાંતિલાલે જણાવ્‍યું કે મોરબીથી ૧૩૫ દેશોમાં માલ જાય છે. સેંકડો લોકોને એનાથી રોજગારી મળે છે. એટલે અહીંના ઉદ્યોગોનું વિશેષ ધ્‍યાન રાખવું પડશે. સરકાર તરફથી તેમને તમામ સ્‍પોર્ટ મળશે તેની હું ખાતરી આપું છું. વેપારીઓને પણ જાહેરમાં કહું છું. તમારા કોઈ પણ પ્રશ્‍નો હશે અમે સાથે મળીને હલ કરીશું.

સહકારી સંગઠનમાં ફેરફાર કરીશું

કાંતિલાલે સૂચક રીતે એક જૂથ ઉપર શાબ્‍દિક પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે સહકારી સંગઠનમાં ફેરફાર કરીશું. હું આના ભેગો છું. હું તેના ભેગો છું. એવું સંગઠનમાં ન ચાલે. આપણે જયેશભાઈ અને દિલીપભાઈને કહી દેશું. અને સહકારી સંગઠનમાં જરૂરી ફેરફાર કરીશું.

કાઈ ખોટા કામ થતા હોય મને ખાલી એક ફોન કરી દેજો, હું જોઈ લઈશ

કાંતિલાલ અમળતિયાએ જણાવ્‍યું કે કયાંય પણ લઈ ખોટા કામ થતા હોય, પાવડર વેચાતો હોય કે પેટી ઉતરતી હોય કે અન્‍ય કોઈ ગેરકાનૂની કામ થતા હોય મને કહી દેજો. ફોન કરજો કે કાગળ લખજો.હું કયાંય નામ જાહેર નહિ કરું. ગેરકાનૂની પ્રવળત્તિ તુરંત બંધ કરાવીશ. હું કહીશ એટલે પોલીસ આળસ નહિ કરે.

મોરબીમાં હવે પ્રજાની સરકાર

કાંતિલાલે જણાવ્‍યું કે દેશમાં વડાપ્રધાન મોદીની સરકાર છે.અને હવે એમના લીધે મોરબીમાં પ્રજાની સરકાર છે. એટલે પ્રજાનું જ રાજ છે. શાંતિથી ધંધા- રોજગાર કરજો. હવે આપણે સાચી દિશામાં સારો વિકાસ કરવાનો છે.

માળિયામાં આગેવાનો ઈચ્‍છે તો ૫ વર્ષમાં ૧૦૦ કારખાના શરૂ કરાવું

કાંતિલાલે કહ્યું કે માળિયા પાસે રેલવે લાઈન છે. પોર્ટ છે. તે વિકાસ કરવા સક્ષમ છે પણ અમુક આગેવાનો કારણે તેનો વિકાસ થઈ શકયો નથી. જો આ આગેવાનો ઈચ્‍છે તો હું ૫ વર્ષમાં ૧૦૦ કારખાના લાવી શકું તેમ છું. જેથી ત્‍યાંના લોકોને રોજીરોટી મેળવવા દૂર ન જવું પડે.

૨૦૧૭ માં ગુમાવેલા ગઢ ભાજપે પાછા મેળવ્‍યા

  મોરબી જીલ્લામાં ભાજપે આસાન જીત મેળવી હતી મોરબી, ટંકારા અને વાંકાનેર એમ ત્રણેય બેઠક પર આપ ઉમેદવારોએ નોંધપાત્ર મતો મેળવતા ભાજપે આસાન જીત મેળવી હતી મત ગણતરી દરમિયાન કોંગ્રેસ ઉમેદવારો કયાય ટક્કર આપતા પણ નજરે પડયાના હતા

 મોરબી જીલ્લામાં આવતી મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકની મત ગણતરી   ઘૂટું પોલી ટેકનીક કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં શરૂઆતથી જ ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ જોવા મળ્‍યા હતા

 મોરબી બેઠક પર કોને કેટલા મતો મળ્‍યા ?

 ભાજપ કાન્‍તિલાલ અમળતિયા - ૧,૧૪,૫૩૮

કોંગ્રેસ જયંતીભાઈ પટેલ -      ૫૨,૪૫૯

આપ પંકજભાઈ રાણસરીયા -    ૧૭,૫૪૪

ભાજપને લીડ - ૬૨,૦૭૯

 

ટંકારા બેઠક પર કોને કેટલા મતો મળ્‍યા ?

ભાજપ દુર્લભજીભાઈ દેથરીયા - ૮૩,૨૭૪

કોંગ્રેસ લલીતભાઈ કગથરા -    ૭૩,૦૧૮

આપ સંજય ભટાસનાં -          ૧૭,૮૩૪

ભાજપને લીડ - ૧૦,૨૫૬

વાંકાનેર બેઠક પર કોને કેટલા મતો મળ્‍યા ?

ભાજપ જીતુભાઈ સોમાણી -    ૮૦,૬૭૭

કોંગ્રેસ મહમદ પીરઝાદા -      ૬૦,૭૨૨

આપ વિક્રમ સોરાણી -        ૫૩,૪૮૫

ભાજપને લીડ - ૧૯,૯૫૫

 

ત્રિપાંખીયો જંગ કોંગ્રેસને

મોંઘો પડયો

મોરબી જીલ્લામાં આપની એન્‍ટ્રીને પગલે જીલ્લાની ત્રણેય બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળ્‍યો હતો જેમાં આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવાર નોંધપાત્ર મતો લઇ જતા ભાજપને જીત આસાન બની હતી જેમાં મોરબી બેઠકમાં આપ ઉમેદવાર ૧૭,૫૪૪, ટંકારા બેઠક પર આપ ઉમેદવાર ૧૭,૮૩૪ મત જયારે વાંકાનેર બેઠક પર આપ ઉમેદવાર સૌથી વધુ ૫૩,૪૮૫ મતો લઇ ગયા હતા જેથી હાર જીતના સમીકરણો બદલી ગયા હતા અને આપની એન્‍ટ્રી ભાજપને ફાયદારૂપ બની હતી તો કોંગ્રેસનો રકાસ થયો છે

મોરબી આપના ઉમેદવાર પંકજ રાણસરિયા

મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર આપના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાએ ૧૮ હજાર મત મેળવ્‍યા છે. તેઓએ હાર સ્‍વીકારીને જણાવ્‍યું હતું કે આ વખતે પ્રજામાં જાગળતતા આવી છે. આપને મત આપનારા તમામ મતદારો જાગળત છે. અમે મોરબીમાં મજબૂત વિપક્ષ તરીકે પ્રજાના -પ્રશ્‍નોને વાચા આપતા રહીશું. લોકોએ અમારી ઉપર જે વિશ્વાસ મુકયો છે તે પ્રકારે લોકોના પડતર પ્રશ્‍નો માટે અવાજ ઉઠાવવા અમે સતત પ્રયત્‍નશીલ રહીશું.

 વધુમાં તેઓએ કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાયો નાખ્‍યો છે. પ્રથમ ચૂંટણીમાં જ ૧૩ ટકા વોટ શેર મેળવ્‍યો છે. હવે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્‍ચેની લડાઈ હશે. અંતમાં તેઓએ જણાવ્‍યું કે આમ આદમી પાર્ટી હવે આગામી નગરપાલિકા સહિતની ચૂંટણી લડશે.

(1:59 pm IST)