Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જુનાગઢના ડબલ મર્ડરમાં સાઇનાઇડ મંગાવનાર ઇકબાલના બાઇકમાંથી બે પિસ્‍ટલ, ૧ રિવોલ્‍વર તથા ગેસ ગન રિવોલ્‍વર કબ્‍જે

ઘરે તલાશી દરમિયાન અલગ અલગ પ્રકારના જીવતા ૩૦ કાર્ટીસ પણ મળ્‍યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૯ જુનાગઢના ડબલ મર્ડરમાં સાઇનાઇડ મંગાવનાર ઇકબાલ ઉર્ફે આગ્રાદના રહેણાંક મકાનમાંથી પોલીસે સર્ચ કરીને મોટર સાયકલની ડેકીમાંથી બે પિસ્‍ટલ, ૧ રિવોલ્‍વર અને ગેસ ગન રિવોલ્‍વર ઉપરાંત ૩૦ કાર્ટીસ સનસની મચી ગઇ હતી.

આરોપીના ઘરમાંથી હથિયારોનો જથ્‍થો મળી આવતા પોલીસ ચોકી ગઇ હતી.

ગત ર૮ નવેમ્‍બરના રોજ જુનાગઢના ગાંધી ચોક ખાતે રિક્ષા ચાલક રફિક હસન ઘોઘાની અને ભરત ઉર્ફે જોન છગન પીઠડીયાનું ઝેરી પ્રવાહીથી શંકાસ્‍પદ મોત થયુ હતુ.

પોલીસ તપાસમાં બંનેના મોત સાઇનાઇડ કાતિલ ઝેરથ થયા હોવાનું ખુલ્‍યુ હતુ. તેમજ આ ઘટનામાં મૃતક રફિકની પત્‍ની મહેમુદા તથા તેનો પ્રેમી આસિફ રજાક ચૌહાણ અને આસિફનો મિત્ર ઇમરાન કાસમ ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી.

મહેમુદા અને આસિફને પ્રેમ સબંધ હતો અને બંને લગ્ન કરવા હતા. પરંતુ રફિક ઘોઘાની આડખીલીરૂપ હોય તેથી તેને પતાવી દેવાનો કારસો રચ્‍યો હતો. બંને સાઇનાઇડ દાવત સોડામાં ભેળવી દીધુ હતુ. આ ઝેરી પ્રવાહી પીવાથી આસિફનું મૃત્‍યુ થયુ હતુ અને આ પ્રવાહી આસિફની ભરત ઉર્ફે જોને પણ ગટગટાવતા તે પણ મોતને ભેટયો હતો.

આ કાંડમાં પોલીસે બે દિવસ અગાઉ સાઇનાઇડ મંગાવનાર જુનાગઢનો  ઇકબાલ ઉર્ફે આઝાદ ઉર્ફે લાંબો સુલતાન શેખને પણ ઝડપી પાડયો હતો. આ ચારેય આરોપીઓ આજે સાંજ સુધીના રીમાન્‍ડ પર છે.

દરમિયાન ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શનમાં તપાસનીશ બી ડીવીઝનના પી.આઇ. એન.એ.શાહે સ્‍ટાફ સાથે આરોપી ઇકબાલ ઉર્ફે આઝાદના જુનાગઢમાં નરસિંહ મહેતાના ચોરા પાછળ આવેલ પિશોરીવાડા ખાતેના રહેણાંક મકાનની ગત રાત્રે તલાશી લીધી હતી.

આ સર્ચ દરમિયાન ઇકબાલના બર્ગમેન મોટર સાયકલની તલાશી લેતા બાઇકની ડેકીમાંથી એક રિવોલ્‍વર, બે પિસ્‍ટલ તેમજ એક ગેસ ગન રિવોલ્‍વર ઉપરાંત અલગ અલગ જાતના ૩૦ જીવતા કાર્ટીસ મળી આવ્‍યા હતા.

પોલીસે પરવાના વગરના હથિયારો સહિત રૂા.૪૭૮૦૦નો મુદામાલ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

આજે સાંજે સાઇનાઇડ મંગાવવાનાં ગુનામાં ઇકબાલના રીમાન્‍ડ પુરા થતા હોય હવે પી.આઇ. નિરવ શાહ હથિયારના ગુનામાં ઇકબાલનાં વધુ રિમાન્‍ડ માટે તજવીજ હાથ ધરશે.

(1:27 pm IST)