Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

થાનના યશપાલસિંહ ઝાલાને પિસ્તોલ સાથે પકડી લેવાયોઃ પુથુ ગીડાનું નામ ખુલ્યું

પીએસઆઇ એન. પી. મારૂ અને જયેશભાઇ પટેલની બાતમી પરથી પીઆઇ ગોરી અને ટીમની કામગીરીઃ પકડાયેલ શખ્સ અને તેને હથીયાર આપનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

રાજકોટ તા. ૯: થાનગઢમાં સાકરીયા શેરીમાં રહેતાં યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા (ઉ.વ.૨૨)ને થાન હાઇસ્કૂલ પાસેથી  દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી લેવાયો છે. આ શખ્સ કમરે પિસ્તોલ ટાંગીને ફરતો હોવાની અને હાઇસ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યો હોવાની બાતમી  પીએઅસાઇ એન. પી. મારૂ, એએસઆઇ જયેશભાઇ પટેલને મળતાં તેને અટકાવી તલાશી લેતાં કમરેથી પિસ્તોલ અને ખાલી કાર્ટીસ મળી આવતાં હથીયાર, મોબાઇલ, રોકડ, બાઇક મળી ૩૭૬૦૦નો મુદમાલ કબ્જે કરાયો હતો.

યશપાલસિંહની પોલીસે વિશેષ પુછતાછ કરતાં તેણે આ દેશી પિસ્તોલ થાનના જ પુથુ ભરતભાઇ ગીડા પાસેથી લીધાનું કબુલ્યું હતું. પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી. મુંધવાની સુચના અને પીઆઇ એ. એચ. ગોરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. પી. મારૂ, પીએસઆઇ જી. એન. શ્યારાા, એએસઆઇ જયેશભાઇ પટેલ, કોન્સ. સુરેશ દુધરેજીયા અને મનોજ ઝાલાએ આ કામગીરી કરી હતી.

ઝડપાયેલો યશપાલસિંહ અગાઉ થાન-માં મારામારી, હત્યાની કોશિષના બે ગુનામાં અને જેનું નામ ખુલ્યું છે તે પુથુ અગાઉ દારૂ અને હત્યાની કોશિષના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. પુથુ ઝડપાયા બાદ વધુ વિગતો સામે આવશે.

(11:57 am IST)