Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ખેડૂત ખાતેદારની નોંધ ૨૯ વર્ષ પછી રદ્દ થતા હાઈકોર્ટમાં રીટ થતા સરકારને નોટીસ

રાજકોટ, તા. ૯ :  ખેડૂત ખાતેદારની નોંધ ૨૯ વર્ષ પછી રદ્દ કરવામાં આવતા હાઈકોર્ટમાં ખાસ દીવાની અરજી દાખલ કરવામાં આવતા હાઈકોર્ટે સરકારને નોટીસ ફટકારી હતી.
આ ખાસ દીવાની અરજીની હકીકત એવી છે કે, સુરેન્‍દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના પીપળીયા (ધ્રાધલ) ગામના ખેડૂત ખાતેદાર લાખાભાઈ દાનાભાઈ પંચાલ, તેઓ સીમ-તળની ખેતીની જમીન પોતાની સ્‍વતંત્ર માલિકી અને કબ્‍જા-હક્કની છેલ્લા ૮૦ વર્ષથી ધરાવે છે. ખેડૂત ખાતેદાર લાખાભાઈ આ જમીનમાં ખેતીકામ કરી ઉપજ-નીપજ મેળવે છે અને આ જમીનમાં અગાઉ લાખાભાઈના બાપુજી દાનાભાઈ ખેતી કામ કરી ઉપજ-નીપજ મેળવતા હતા. સદરહુ જમીન એ.૨-૯ ખાતેદારને નામે રેવન્‍યુ નોંધ તા. ૨૫-૨-૮૧થી પ્રમાણીત થયેલ છે. ત્‍યાર બાદ કલેકટરશ્રી સુરેન્‍દ્રનગરનાએ આ નોંધ તા. ૨૬-૭-૨૦૧૦ના રોજ રદ્દ કરેલ છે. આમ કલેકટર દ્વારા વર્ષ ૨૯, માસ-૫, દિવસ-૧ના લાંબા સમય બાદ ખાતેદારની નોંધ રદ્દ કરેલ. આ નોંધ રદ્દ કરવા અંગેની કલેકટરશ્રીની નોટીસ ખાતેદારને મળેલી નથી અને ખાતેદારને સાંભળેલ નથી. કાયદાની જોગવાઈ મુજબ કોઈ પક્ષકારની રજૂઆત ધ્‍યાને લીધા વગર તેની વિરૂદ્ધમાં કોઈ હુકમ કરી શકાતો નથી. આથી કલેકટરશ્રીનો નોંધ રદ્દ અંગેના હુકમની સામે મહેસુલ સચીવ શ્રી અમદાવાદની કોર્ટમાં રીવીઝન કરવામાં આવેલ. સદરહુ રીવીઝન સચિવશ્રીની કોર્ટમાં રદ્દ કરવામાં આવતા ખેડૂત ખાતેદાર લાખાભાઈ દાનાભાઈ પંચાલના સીનીયર એડવોકેટ પ્રજાપતિ વજુભાઈ ડાયાભાઈ થોરીયા દ્વારા ખાસ દીવાની અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ.
 આ ખાસ દીવાની અરજીમાં નીચેના મુદ્દાઓ અંગે સીનીયર એડવોકેટ પ્રજાપતિ વજુભાઈ ડાયાભાઈ થોરીયા દ્વારા દલીલો કરવામાં આવેલ છે. જેમ કે, મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની જોગવાઈ મુજબ સરકારને કોઈ વિશેષ અધિકારો નથી અને સમય મર્યાદાનો કાયદો તે સરકારને લાગુ પડે છે અને સમ-ન્‍યાયનો કાયદો પણ સરકારને લાગુ પડે છે. આમ કાયદો બધાને લાગુ પડે છે. આમ આટલા લાંબા સમય પછી ખેડૂત ખાતેદારની નોંધ (એન્‍ટ્રી) રદ્દ થઈ શકે નહીં.
ઉપરોકત બાબતેની દલીલોમાં કાયદાના ખાસ મુદ્દાઓ જે ધ્‍યાને લઈ હાઈકોર્ટ દ્વારા શ્રી સરકાર અને કલેકટરશ્રી સુરેન્‍દ્રનગર અને મામલતદારશ્રી ચોટીલાને શો-કોઝ નોટીસ કાઢેલ છે. આ ખાસ દીવાની અરજીમાં ખેડૂત ખાતેદાર લાખાભાઈ દાનાભાઈ પંચાલ વતી સીનીયર એડવોકેટ પ્રજાપતિ વજુભાઈ ડાયાભાઈ થોરીયા રોકાયેલા છે.

 

(11:28 am IST)