Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

લખતર પાસે ૧૮ લાખનો દારૂ ઝડપાયો

પાછળ ‘ડાક પાર્સલ' લખેલ કન્‍ટેનરમાં દારૂ ભરેલ હતો : ઉત્તરપ્રદેશનો ડ્રાઇવર ઝબ્‍બે : ૭૦૩૨ બોટલ કબ્‍જે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૯ : લખતર પોલીસે તાલુકાનાં ડેરવાળા ગામ નજીકથી કન્‍ટેઈનર સહિત ૨૮ લાખનાં મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્‍યો હતો. તેની સાથે ઉત્તરપ્રદેશનાં શખસ (કન્‍ટેઈનર ચાલક)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી લખતર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ-જુગારની બદીઓને ડામવા માટે સૂચના આપવામાં આવેલી છે. ત્‍યારે હાઇ-વે પર ચોરીનાં બનાવો પણ વધી રહ્યા છે. જેને ધ્‍યાને લઇને લખતર પોલીસનાં પીએસઆઇ એમ.કે. ઈશરાણી, જયદીપસિંહ ઝાલા, કુલદીપસિંહ, પ્રહલાદભાઈ અને ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતા.
ᅠતે સમયે લખતર તાલુકાનાં કળમ-ડેરવાળા રોડ ઉપર ડેરવાળા નજીક આવેલા હનુમાનજીના મંદિર પાસે એક કન્‍ટેઈનર શંકાસ્‍પદ હાલતમાં જણાયું હતું. ત્‍યારે અંદર દારૂ હોવાનું જાણવા મળતાં પોલીસે લખતર પોલીસ સ્‍ટેશને કન્‍ટેઈનર લાવી કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસે કન્‍ટેઈનર ચાલક રિઝોર, ઉત્તર પ્રદેશના કરણ સત્‍યવિરસિંહ યાદવને ઝડપી પાડ્‍યો હતો. તો અન્‍ય એક અજાણ્‍યો શખસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
બાદમાં લખતર પોલીસે કન્‍ટેઈનર ખોલી તપાસ કરતાં જુદી-જુદી બ્રાન્‍ડની રૂ.૧૮,૩૩,૫૪૦ની કિંમતની ૭૦૩૨ બોટલ, રૂ.૫,૦૦૦નો એક મોબાઈલ, રોકડ રૂ.૧૦૦૦ અને રૂ. ૧૦,૦૦,૦૦૦નું કન્‍ટેનર સહિત રૂ.૨૮,૩૯,૫૪નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ બનાવમાં કન્‍ટેઈનરના ચાલક અને અન્‍ય નાસી જનાર એક અજાણ્‍યા શખ્‍સ તેમજ દારૂ મોકલનાર તથા તપાસમાં ખૂલે તે તમામ સામે વિરૂદ્ધ ફરિયાદ નોંધી કેસની વધુ તપાસ લખતર પીએસ.આઇ. એમ.કે. ઈશરાણી ચલાવી રહ્યા છે.
ડેરવાળા નજીકથી મોટા જથ્‍થામાં ઈંગ્‍લીશ દારૂ પકડાયેલો છે. તે કન્‍ટેઈનરમાં ભરેલો હતો. આ કન્‍ટેનરની પાછળ ડાક પાર્સલ લખેલું છે. તેથી ડાક પાર્સલનાં નામે દારૂ ઘૂસાડવાનું ષડયંત્ર લખતર પોલીસે નાકામ કરી દીધું છે. લખતરમાં આ બીજો બનાવ છે કે ડાક પાર્સલ લખેલ કન્‍ટેઈનરમાંથી દારૂ ઝડપાયો છે.

 

(11:26 am IST)