Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પોરબંદરની રદ થયેલ મેડિકલ કોલેજ પુનઃ શરૂ કરાશે : રામભાઇ મોકરીયા

૨૦૨૨ના નવા સત્રથી કોલેજ શરૂ કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાને રાજ્યસભાના સાંસદની સફળ રજુઆત

રાજકોટ,તા. ૯: ગતવર્ષે પોરબંદર સહિત રાજયના પાંચ જીલ્લાઓમાં મેડીકલ કોલેજ મંજુર કરવામાં આવી હતી.પરંતુ કેન્દ્ર સરકારે તેને રદ કરી છે.ત્યારે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને એવી રજૂઆત કરી હતી કે પાંચ જીલ્લામાંથી માત્ર પોરબંદર જીલ્લાની જ મેડીકલ કોલેજ શા માટે ના મંજુર થઇ છે.જો કોઈ પણ ઈન્ફ્રાસ્ટ્રકચર કે ડોકટરોના અભાવે રદ કરવાનો નિર્ણય લીધો હોય તો તેને લગતી ખૂટતી તમામ વ્યવસ્થા કરાવી આપશું તેવી ખાત્રી અપાતા કેન્દ્રના આરોગ્ય મંત્રીએ પણ આ મહત્વના મુદે એવી જાહેરાત કરી છે કે પોરબંદરની રદ થયેલી મેડીકલ કોલેજ પુનઃશરૂ કરવામાં આવશે આ સમાચાર થી પોરબંદરમાં ખુશીની લાગણી જોવા મળી છે અને રાજયસભાના વતન પોરબંદર પ્રત્યેના પ્રેમને પણ બિરદાવ્યો છે.

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રના મંત્રી મનસુખ માંડવીયાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લામાં નવી મેડીકલ કોલેજ માટે રાજય સરકારે મંજુરી આપી દીધી હતી.પણ કેન્દ્રથી આવેલ રાષ્ટ્રીય આર્યુવિજ્ઞાન આયોગની ટીમે મુલાકાત લીધા બાદ એવો નિર્ણય લીધો છે કે,પોરબંદર મેડીકલ કોલેજ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર અને માનવ શ્રમ સહિત સુવિધાઓ અપૂરતી છે.આ રીપોર્ટના આધારે પોરબંદર જીલ્લામાં મંજુર થયેલી મેડીકલ કોલેજ ના મંજુર થઈ છે.

રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં મેડીકલ કોલેજનું નિર્માણ થાય તો વધુ સારી સુવિધા મળે તેવી પોરબંદરવાસીઓને અપેક્ષા હતી પરંતુ તે નિરાશામાં પલટાઈ ગઈ છે. ગતવર્ષે ગુજરાત સરકારે પોરબંદર સહિત રાજયના પાંચ જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજને મંજુરી આપી હતી. જો રાષ્ટ્રીય આર્યુવિજ્ઞાન આયોગની ટીમને સુવિધાઓ અંગે કોઈ શંકા હોય તો ગુજરાત સરકાર ખાત્રી આપે છે કે અન્ય મેડીકલ કોલેજો જેવી જ સુવિધા ઉપલબ્ધ થશે તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોરબંદરની મેડીકલ કોલેજ મંજુર કરવી જોઈએ તેવી મારી માંગણી છે.

સાંસદ રામભાઈ મોકરીયાની આ રજૂઆત સદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ એવી રજૂઆત કરી છે કે પોરબંદરની રદ થયેલી મેડોકલ કોલેજ અંગે ફેર વિચારણા કરી ને હું આ મેડીકલ કોલેજ શરૂ કરવા પુનઃ મંજુરી આપી રહ્યો છુ એટલું જ નહી પરંતુ તેમણે એવું પણ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ ના નવા શૈક્ષણિક સત્રથી પોરબંદરમાં મેડીકલ કોલેજ શરૂ કરવા મારી મંજુરી છે.

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ વધુ માહિતી આપતા એવું જણાવ્યું હતું કે જો મેડીકલ કોલેજ માટે સ્ટાફની કોઈ પણ પ્રકારની અછત સર્જાય તેવી શકયતા હોય તો રાજયના આરોગ્ય મંત્રી ત્કષિકેશ પટેલ ને પણ જાણ કરી ને આ મેડીકલ કોલેજ માટે મેન પાવરની અછત રેવા દેશે નહી પોરબંદર માં મેડીકલ કોલેજ મંજુર કરવામાં જે કોઈ પણ અડચણ હશે તે તમામ અડચણ દુર થઇ જશે તેવી ખાત્રી અપાય છે.

આમ રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાની દરમિયાનગીરી થી મેડીકલ કોલેજ શરૂ કરવા પુનઃ મંજુરી મળતા પોરબંદરવાસીઓએ રામભાઈ નો આભાર માન્યો હતો. (૨૨.૯)

મેડીકલ કોલેજ માટે ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર આપશે

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે મેડીકલ કોલેજ શરૂ કરવા કેન્દ્ર સરકારે મંજુરી આપી હતી.જેમાં ૨૨૫ કરોડનો ખર્ચ થશે જેમા કેન્દ્ર સરકાર ૬૦ ટકા એટલે કે ૧૯૫ કરોડ ત્થા રાજય સરકાર ૪૦ ટકા લેખે ૧૩૫ કરોડ રૂપિયા આપશે અને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ધારાધોરણ પ્રમાણે સગવડો ઉપલબ્ધ થશે અને વર્ષ ૨૦૨૨માં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો ઉપર પ્રવેશ અપાશે તે ઉપરાંત મેડીકલ કોલેજ માટે જે જગ્યા એ જમીન ફાળવવામાં આવી છે ત્યાં કાયમી ધોરણે ઈન્ફાસ્ટ્રકચરની વ્યવસ્થા કરવા માટે તાકીદે ટેન્ડર બહાર પાડવામાં આવે જેથી એકાદ વર્ષ માં બાંધકામ પૂર્ણ થાય તેવો પણ આશાવાદ રામભાઈ મોકરીયાએ દર્શાવ્યો છે.

રામભાઇ મોકરીયાના વતન પ્રેમને બિરદાવ્યો

રાજયસભાના બિનહરીફ સાંસદ બન્યા પછી રામભાઈ મોકરિયા મુખ્યત્વે દિલ્હી અને ગાંધીનગર વચ્ચે સેતુ રૂપ બનીને લોકોને વધુ સારી સુવીધા મળે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે પરંતુ તેની સાથો સાથ પોતાનો વતન પ્રેમ અવારનવાર છલકાવીને પોરબંદરને જયાં કયાય પણ જે કોઈ પણ પ્રકારની જરૂરીયાત હોય ત્યાં હરહમેશ મદદરૂપ બને છે.પોરબંદરમાં બંધ થયેલી ફેકટરીઓને તાત્કાલિક પુનઃ શરૂ કરાવવા સહિત માછીમારીના પ્રશ્નોનું નિરાકરણ કરાવવામાં પણ તેઓ હરહમેશ સક્રિય રહ્યા છે. ત્યારે તેમના પોરબંદર પ્રત્યેના વતન પ્રેમને પણ નગરજનો એ પણ બિરદાવ્યો છે.

(10:48 am IST)