Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ભુજ પાસે ટ્રક અને સ્‍કોર્પિયો વચ્‍ચેની ટક્કરમાં એક સાંખ્‍ય યોગીની સહિત ત્રણ મહિલાઓના મોત

મુક્‍તજીવન સ્‍વામિનારાયણ સંપ્રદાયના મહિલા સત્‍સંગીઓ ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્‍યારે સર્જાયો ગોઝારો અકસ્‍માત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૯: ભુજ નખત્રાણા હાઈવે ઉપર માનકુવા ગામ નજીક ગઈ કાલે રાત્રે સર્જાયેલા એક પ્રાણદ્યાતક માર્ગ અકસ્‍માતમાં ત્રણ મહિલાઓના મોતના બનાવે સમગ્ર કચ્‍છ પંથકમાં અરેરાટી સર્જી છે. ભુજ થી ૧૦ કિલોમીટર દૂર આ માર્ગ અકસ્‍માત સર્જાયો હતો.
ભુજ તા.ના સુખપર ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાંથી સાંખ્‍ય યોગી બહેનો સાથે સત્‍સંગી મહિલાઓ ભારાસર ગામે પરત ફરી રહ્યા હતા ત્‍યારે માનકુવા ગામ પાસે લિગ્નાઇટ ભરેલ ટ્રક અને સ્‍કોર્પિયો વચ્‍ચે ટક્કર થઈ હતી. જેમાં ભારાસર મંદિરના સાંખ્‍ય યોગીની પ્રેમિલાબા ઉપરાંત સત્‍સંગી મહિલાઓ સવિતાબેન કીર્તિ હિરાણી (ઉ.૪૭) અને શિલ્‍પાબેન ચંદ્રેશ વરસાણી (ઉ.૨૩) ના અરેરાટીભર્યા મોત નીપજયા હતાં. આ બનાવમાં સાંખ્‍યયોગી રસિલાબા ઇજાગ્રસ્‍ત થતાં તેમને સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા જયાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્‍માતના સમાચારને પગલે લેવા પટેલ સમાજના અગ્રણીઓ સાથે માનકુવા અને આસપાસના લોકો દોડી આવ્‍યા હતા અને અકસ્‍માતગ્રસ્‍તોને મદદરૂપ બન્‍યા હતા. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે સ્‍કોર્પિયો ઘસડાઈને ઊંધી વળી ગઈ હતી.
સ્‍કોર્પિયો જીપ મહિલા સત્‍સંગી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્‍યું છે. અકસ્‍માતના સમાચારને પગલે ડીવાયએસપી જે એન. પંચાલ, માનકુવા પીઆઈᅠ વાય.પી. જાડેજા દોડી ગયા હતા. જીવલેણ અકસ્‍માતના સમાચારને પગલે સંપ્રદાયમાં શોકનો માહોલ સર્જાયો છે.
 

(10:19 am IST)