Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ભુજમાં તમામ લારી ગલ્લા ધારકો દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધને સમર્થન: રેલી યોજી

નેશનલ હોકર્સ ફેડરેશનનો બંધ માટે કરેલ આહવાન સ્વીકારી રવિવાર જેવો માહોલ ઊભો કર્યો

કચ્છ: આજે સવારથી જ ભુજ શહેરમાં ફેરિયાઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું. શહેરના  તમામ લારી ગલ્લા માલિકોએ નેશનલ હોકર્સ ફેડરેશનનો બંધ માટે કરેલ આહવાન સ્વીકારી રવિવાર જેવો માહોલ ઊભો કર્યો હતો. ચા, નાસ્તો તેમજ પાનના ગલ્લા પણ બપોર સુધી બંધ રાખવામાં આવ્યા હતા. સમગ્ર શહેરમાં આ બંધથી લોકોને લોકડાઉનનો આભાસ થયો હતો.


સુપ્રીમ કોર્ટમાં આજે ફેરિયા અધિનિયમ 2014 રદ્દ કરવા મુદ્દે સુનાવણીના વિરોધમાં નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા બંધ અને રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજવા આહવાન કરાયું હતું. સમગ્ર દેશમાં 24 રાજ્યોમાં 1029 સંગઠનો દ્વારા ઠેર ઠેર લારી ગલ્લા ધારકોએ આ બંધને સમર્થન આપી વિરોધ દાખવ્યો હતો. ભુજમાં પણ શેરી ફેરિયા સંગઠન અને નેશનલ હોકર્સ ફેડરેશન ભુજ દ્વારા આ સુનાવણીના વિરોધમાં બંધ માટે શહેરના લારી માલિકોને આહવાન કરવામાં આવ્યું હતું. આ માટે છેલ્લા થોડા દિવસોથી ભુજ શેરી ફેરિયા સંગઠન દ્વારા શહેરના દરેક વિસ્તારમાં લારીઓની મુલાકાત લઈ ધંધાર્થીઓને બંધ પાડવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

(10:45 pm IST)