Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબીમાં મહોરમ પર્વ નિમિત્તે વિશાળ તાજિયા ઝૂલુસ નીકળ્યું: કલાત્મક તાજીયના દર્શન કરવા બજારોમાં લોકો ઉમટ્યાં.

એક એકથી ચડિયાતા અને કલાકૃતિના બેનમુન એવા તાજીયા, સાથે હાઇફાઇ સાઉન્ડ સિસ્ટમમાં ગવાતા મરશિયા,રંગબેરંગી લાઇટોની જાકમજોળ અને સતત ગુંજતા " યા હુસૈન" ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજતુ રહ્યું

મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા કરબ્લાના મેદનમાં, નેકી અને બદ્દીની જંગમાં શહિદી વહોરનારા શહીદોની યાદમાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

સોમવારે રાત્રે માતમમાં આવ્યા બાદ શહેરમાં તાજીયા જુલુસ નીકળ્યા બાદ પાછા માતમમાં ફર્યા હતા.
મંગળવારે બપોરે ફરી માતમમાંથી નીકળ્યા હતા અને પરંપરાગત રીતે શહેરનાં રાજમાર્ગો પર કાઢવામાં આવ્યા હતા. એક એકથી ચડિયાતા અને કલાકૃતિના બેનમુન એવા તાજીયા, સાથે હાઇફાઇ સાઉન્ડ સિસ્ટમમાં ગવાતા મરશિયા,રંગબેરંગી લાઇટોની જાકમજોળ અને સતત ગુંજતા " યા હુસૈન" ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજતુ રહ્યું હતું. અને તાજીયા જુલુશના સમગ્ર રૂટ પર હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાની મિશાલ આપતી સબિલો બનાવવામાં આવી હતી. જેના સરબત, દુધવોલ્ડ્રિંકસ, ચોકલેટ, ખજૂર, ભજીયા, ભેળ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અને મુસ્લિમ બિરાદરો એ સાંજે આજ પ્રસાદથી ઇફતાર કરી આદરભેર રોજા છોડ્યા હતા.
દિવસભર શહેરના રાજમાર્ગો પર ફરી રાત્રે તમામ ૧૧ તાજીયા નહેરુગેટ ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યાં યોજાયેલા તાજીયા સમાપન સમારોહમાં અનેક હિન્દુ મુસ્લિમોએ હાજરી આપી હતી.
દિવસભર તાજીયા જુલુસ સાથે રહી મુરિદોની સલામ જીલતા અને દુવાઓ આપતા મોરબી મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસિદબાપુએ આ તકે મોરબી, ગુજરાત, દેશ અને દુનિયામાં અમન ચેન, શાંતી અને કોમી એખલાસ અને ભાઈચારા માટે દુવાઓ કરી હતું.
આ તકે તમને ઊપસ્થિત તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો, વહીવટી તંત્ર, પોલીસ, પાલિકા સહિત મહોરમ પર્વમાં યોગદાન આપનારા તમામે તમામ લોકોનો આભાર માન્યો હતો.

(11:53 pm IST)