Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં દે ધનાધન ૬ થી ૮ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાનઃ રાજકોટ જીલ્લામાં વધુ મેઘમહેર

રાજકોટ, તા., ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે ગત રાત્રીના સૌથી વધુ વરસાદ રાજકોટ જીલ્લાના ઉપલેટા પંથકમાં દે ધનાધન૮ ઇંચ જેટલો વરસાદ પડયો છ.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટાઃ રાજકોટ જીલ્લાના ઉપલેટામાં ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. મોજ ડેમની સપાટી પાટીયા સુધી પહોંચતા નીંચાણવાળા ગામો મોજીરા, ગઢાળા, નવાપરા, ખાખી જાળીયા, કેરાળા, વાડલા, ઉપલેટાના લોકોને ચેતવણી આપવામાં આવી છે.

ઉપલેટા તાલુકાના તલગાણા, ભીમોરા, મજેઠી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ૬ થી ૮ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલીમાં કાલે રાત્રીના ગાજવીજ સાથે હળવા-ભારે ઝાપટા પડયા હતા. આ વરસાદ પ મી.મી. નોંધાયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં રાત્રે વરસાદ પડ્યો હતો. જિલ્લાના માં ધોધમાર બે ઈંચ વરસાદ અને વલભીપુરમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે અન્ય તાલુકામાં છૂટા છવાયા ઝાપટા થી લઈ અડધાથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

આજે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઉમરાળા વલભીપુર ૪૧મી.મી. ગારીયાધાર ૩૫ મી.મી. સિહોર ૧૦ મી.મી.ઘોઘા ૭ મી.મી. અને ભાવનગર શહેરમાં ૧ મી.મી વરસાદ નોંધાયો છે.

આજે મંગળવારે સવારે પણ શહેર અને જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલમાં રાત્રે આડા આઠ પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો.બાદ મા ફરી દશ કલાકે વરસવો શરુ થતા એક ઇંચ પાણી પડયુ હતુ.વરસાદ ને કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.કેટલીક સોસાયટીઓ મા પાણી ભરાયા હતા.કાશી વિશ્વનાથ રોડ પર રાતા નાલા મા પાણી ભરાતા રાહદારીઓ અટવાયા હતા.

(1:59 pm IST)