Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કાલે સૌરાષ્‍ટ્રાના ૮ જીલ્લાના ૬૫૦૦ જેટલી શાળા-કોલેજામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી : ૧૫ લાખથી વધુ લોકો જોડાશે

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૯: આ દિવસની ઉજવણી વિશ્વમાં જોવા મળતા સિંહોની અગત્‍યતા દર્શાવે છે. સિંહ એ જૈવિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્‍થિતીક રીતે ઘણું અલગ અને આગવું મહત્‍વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજયના સૌરાષ્ટ્રના વિસ્‍તારમાં કુદરતી અવસ્‍થામાં વિહરતા જોવા મળે છે. તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્‍થાનીક લોકોનું અમુલ્‍ય યોગદાન રહેલું છે. ગુજરાત સરકારશ્રી, વન વિભાગ, ગુજરાત રાજય અને સ્‍થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેની વસ્‍તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. સંખ્‍યા વધતાની સાથે તેઓ ભુતકાળના તેમના નિવાસ સ્‍થાનને પુનઃ મેળવી રહ્યા છે. આજે સિંહો ગીર અને બૃહદગીરના ૩૦૦૦૦ ચો. કી.મી. વિસ્‍તારમાં મુક્‍ત પણે વિહરતા જોવા મળે છે. આ વિસ્‍તારને એશિયાટીક લાયન લેન્‍ડસ્‍કેપ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન વિભાગ, ગુજરાત રાજય દ્વારા ૨૦૧૬ નાં વર્ષથી શરૂ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, શિક્ષણ વિભાગનો સ્‍ટાફ, સ્‍થાનિક જનપ્રતિનિધીશ્રીઓ, એન.જી.ઓ.ના સભ્‍યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીદારીથી આ ઉજવણી કરવામાં આવેલ છે ૨૦૧૬ માં ૫.૪૬ લાખ, ૨૦૧૭ માં ૮.૭૬ લાખ, ૨૦૧૮ માં ૧૧.૦૨ લાખ, ૨૦૧૯ માં ૧૧.૩૭ લાખ ની મોટી સંખ્‍યામાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.

૨૦૨૦ અને ૨૦૨૧ ના વર્ષોમાં કોવિડ-૧૯ મહામારીના કારણે વિશ્વ સિંહ દિવસની પ્રત્‍યક્ષ રીતે ઉજવણી શક્‍ય ન હતી. લોકોના સિંહ પ્રત્‍યેના પ્રેમને ધ્‍યાને લઇ ડીજીટલ મીડીયાના માધ્‍યમથી વર્ચ્‍યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને જેમાં ખુબજ મોટા પ્રમાણમાં દેશ અને વિદેશના સિંહ પ્રેમીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ અને જેની સંખ્‍યા ૨૦૨૦ માં ૭૨.૬૩ લાખ અને ૨૦૨૧ માં ૮૫.૦૧ લાખની હતી. આમ કોવીડ-૧૯ની પરિસ્‍થિતી હોવા છતા વર્ચ્‍યુલ માધ્‍યમથી ખુબજ મોટા પ્રમાણમાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.

ચાલુ વર્ષે ૧૦મી ઓગસ્‍ટના રોજ શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજી પ્રત્‍યક્ષ રીતે અને ડીજીટલ મીડીયાનો ઉપયોગ કરી વર્ચ્‍યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વન વિભાગ, ગુજરાત રજય, ગુજરાત શિક્ષણ વિભાગ તેમજ સ્‍થાનિક લોકોના સહીયારા પ્રયાસોથી સૌરાષ્ટ્રના ૮ જીલ્લાઓની આશરે ૬૫૦૦ જેટલી શાળઓ/કોલેજોમાં આ ઉજવણી કરવામાં આવનાર છે. આ ભવ્‍ય ઉજવણીમાં આશરે ૧૫ લાખથી વધુ લોકો જોડાશે. આ કાર્યક્રમ જે તે ગામ/શહેરની શાળાઓમાં કરવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્‍યશ્રીઓ, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગુજરાત સરકારશ્રીના જુદા જુદા વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ શાળાએ ૧૦ મી ઓગષ્ટના રોજ એકત્ર થઇ આ કાર્યક્રમમાં જોડાશે.

(12:07 pm IST)