Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબી “હું પટ્ટમાં આવી રહ્યો છો” તેવો લલકાર કર્યા બાદ કાંતિલાલની નરેન્દ્રભાઈ મોદી સાથે સૂચક મુલાકાત.

મોરબી બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હું મેદાનમાં આવું છું તેવી જાહેરાત કરનાર કરનાર કાનભાઈ દિલ્હી દરબારમાં : વડાપ્રધાન મોદી સાથેની શુભેચ્છા મુલાકાતથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો

 મોરબી બ્રહ્મ સમાજ આયોજિત કાર્યક્રમમાં એક ઘા ને બે કટકા માટે જાણીતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હું મેદાનમાં આવું છું તેવી સ્પષ્ટ જાહેરાત કર્યા બાદ આજે દિલ્હી દરબારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરતા આજની આ મુલાકાતને ઘણી જ સૂચક માનવામાં આવી રહી છે. જો કે કાનાભાઈની હું મેદાનમાં આવું છું જાહેરાત બાદ મોરબીમાં ચોતરફ આગામી ચૂંટણીમાં કોને ટીકીટ મળશે તેની જ ચર્ચા ચાલી રહી છે.
ગત અઠવાડિયે મોરબી બ્રહ્મ સમાજ આયોજિત એક કાર્યક્રમમાં મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તડ ને ફડ કરી મોરબીમાં ગુંડાગીરી વધી ગઈ હોવાનું જણાવી પોતે મેદાનમાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ પણે જણાવી એકાદ બે ડાભુરિયાથી તેઓ ડરતા ન હોવાનું જણાવતા આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે મોરબીના રાજકારણમાં રીતસરનો ગરમાવો આવી ગયો છે. હું પટ્ટમાં આવી રહ્યાની જાહેરાત બાદ આજે કાંતિલાલ અમૃતિયા એટલે કે કાનાભાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત બાદનો ફોટો શેર કરતા સોશિયલ મીડિયાથી લઈ ચા- પાનના ગલ્લા અને પ્રબુદ્ધ નાગરિકોની ઓફિસો અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કાનાભાઈ મેદાનમાં આવ્યાની ચર્ચા વેગ પકડી રહી છે.
બીજી તરફ આગામી નવેમ્બર ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આ વખતે મોરબી માળીયા બેઠક ઉપર કોને ટીકીટ મળે છે તે મામલે લોકોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. હાલમાં મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજા ઉજળી છબી અને સરળ વ્યક્તિત્વને કારણે ભુપેન્દ્રભાઈ સરકારમાં સારું વર્ચસ્વ ધરાવે છે. તેઓએ મોરબી માટે મહત્વપૂર્ણ કહી શકાય તેવી મેડિકલ કોલેજ સહિત અનેક કામો મંજુર કરાવવામાં સફળ રહ્યા છે.
આ સંજોગોમાં છેલ્લા 15 દિવસમાં મોરબીના રાજકીય સમીકરણો બદલાયા હોવાના સાફ સાફ સંકેતો વચ્ચે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અચાનક મેદાને આવી પોતે ચૂંટણી લડવા મેદાનમાં આવી રહયાના અણસાર આપ્યા છે અને આજે દિલ્હી વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરવા ઉપરાંત તેઓ દિલ્હીમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીને મળતાં હાલ તો મોરબીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

(11:41 pm IST)